1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 27મી ઓક્ટોબરથી 9મી સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે
ગુજરાતમાં 27મી ઓક્ટોબરથી 9મી સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે

ગુજરાતમાં 27મી ઓક્ટોબરથી 9મી સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે

0
Social Share

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  તા.27 ઑક્ટોબર, 2023ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળી શકશે. આ ઉપરાંત મુસદ્દા મતદાર યાદીની સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ મૂકવામાં આવશે.

ભારતની સૌથી મોટી અને ગર્વિત લોકશાહીનો મહોત્સવ એવી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે માટે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા તેમજ મતદાન મથકના પુનર્ગઠન અંગે માર્ગદર્શન માટે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષા માન્ય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ તથા ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાન્યુઆરી-2024 દરમિયાન ચૂંટણી તંત્ર સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂંક કરવા રાજકીય પક્ષોને જણાવ્યું હતું. પાત્રતા ધરાવતા યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP જેવા ઑનલાઈન પોર્ટલ્સનો મહત્તમ ઉપયોગ કરવા અંગે જાગૃત અને પ્રોત્સાહિત કરવા બૂથ લેવલ એજન્ટ્સ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે તે માટે અનુરોધ કર્યો હતો.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાન્યુઆરી-2024ની રૂપરેખા આપતાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલે જણાવ્યું હતું કે, ખાસ  સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તા.04/10/2023 (શનિવાર) તા.05/10/2023 (રવિવાર), તા.02/12/2023 (શનિવાર) તેમજ તા.03/12/2023 (રવિવાર) એમ ચાર દિવસ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે અને સાથે જ મતદારયાદીમાં સુધારો-વધારો, નામ કમી કરવા માટેના ફોર્મ પણ બૂથ પર જ BLOને રૂબરૂ આપી શકાશે. તા.26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા.05 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

વધુમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન પારદર્શિતા જળવાય તે માટે લેવાનારા પગલાંઓ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી આ કાર્યક્રમની જાણકારી આપવામાં આવશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા અંગેની અરજીઓની યાદી પણ અઠવાડિક ધોરણે માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. આ સાથે જ મુસદ્દા મતદાર યાદી તથા આખરી મતદાર યાદીની એક સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઈટ પર મૂકવા ઉપરાંત રાજકીય પક્ષોને પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. મતદાર યાદી સુધારણામાં પાયાના સ્તર સુધી માન્ય રાજકીય પક્ષોની ભાગીદારી વધે તે હેતુસર બૂથ લેવલ એજન્ટ્સની ભૂમિકા અંગે વાત કરતાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા બૂથ લેવલ એજન્ટ્સની નિમણૂંક માટેની જોગવાઈઓ તથા તે માટેની કાર્યપદ્ધતિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code