
બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આજે મતદાન, 1970 ઉમેદવાર મેદાનમાં
- સામાન્ય ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા
- શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં
- બાંગ્લાદેશની સંસદને રાષ્ટ્રીય સંસદ કહેવામાં આવે છે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આવતીકાલે 7 જાન્યુઆરીએ મતદાન થશે. આ ચૂંટણીમાં 1970 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 90 મહિલા ઉમેદવારો છે જ્યારે 79 ધાર્મિક અને વંશીય લઘુમતી જૂથોમાંથી છે. આ સામાન્ય ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ વખતે 747 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાંથી મોટાભાગના સત્તાધારી અવામી લીગના છે.
અવામી લીગ 266 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેમણે બાકીની બેઠકો તેમના સાથી પક્ષો માટે છોડી દીધી છે. શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં છે. મુખ્ય વિપક્ષી રાષ્ટ્રીય પાર્ટીએ બાંગ્લાદેશ સંસદમાં 265 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી લગભગ 26 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આજથી સોમવાર સુધી દેશવ્યાપી હડતાળની અપીલ કરી છે. પાર્ટી અને તેના સહયોગીઓનો આરોપ છે કે વર્તમાન સરકાર સાથે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. બાંગ્લાદેશની સંસદને રાષ્ટ્રીય સંસદ કહેવામાં આવે છે. તેના સાડા ત્રણસો સભ્યોમાંથી ત્રણસો સીધા મતદાન દ્વારા ચૂંટાય છે. બાકીની 50 બેઠકો સરકાર દ્વારા નામાંકિત મહિલાઓ માટે અનામત છે.
બાંગ્લાદેશમાં સંસદની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુંટણીપંચ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ અસામાજીકતત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે.