અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની જંગ, ખાડી દેશોમાં મિસાઈલ-ડ્રોનનો વરસાદ
દુબઈ, 18 જુલાઈ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ બંને દેશોએ એકબીજા પર ભીષણ ડ્રોન અને મિસાઈલ હુમલા કરતા સમગ્ર મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. અમેરિકી વાયુસેનાએ સતત સાતમી રાત્રે ઈરાનના સૈન્ય અને નાગરિક સંસાધનો પર બોમ્બમારો કર્યો છે, જેના જવાબમાં ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (આઈઆરજીસી) એ પાડોશી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલોનો વરસાદ કર્યો છે. આ ભયાનક તણાવ વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને મધ્ય પૂર્વની યાત્રા ન કરવા અથવા તાકીદે પ્લાન બદલવા એડવાઈઝરી જાહેર કરી છે.
ઈરાનના આઈઆરજીસીએ દાવો કર્યો છે કે તેમણે કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્યના લોજિસ્ટિક્સ હબ ‘કેમ્પ અરીફજાન’ અને ‘અલી અલ સલેમ એર બેઝ’ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે આ હુમલામાં અમેરિકાની રડાર સિસ્ટમ અને હથિયારોના હેંગર તબાહ થયા છે અને સૈનિકો પણ માર્યા ગયા છે. આ ઉપરાંત, બહેરીનમાં આવેલા અમેરિકી નૌસેનાના ‘શેખ ઈસા એરબેઝ’ અને ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટર ‘બટેલ્કો’ પર પણ ઈરાને પ્રચંડ હુમલો કરી ફ્યુઅલ ટેન્કો ઉડાવી દીધી હોવાનો દાવો કર્યો છે.
-
બહેરીન-કુવૈતમાં ફફડાટ: એર ડિફેન્સ એક્ટિવ, ફ્લાઈટ્સ સસ્પેન્ડ
બહેરીનમાં ત્રીજી વાર સાયરન ગુંજ્યા: ઈરાની હુમલાના પગલે બહેરીનમાં ગણતરીના કલાકોમાં ત્રણ વખત ‘એર રેડ’ સાયરન વગાડવામાં આવ્યા હતા. સરકારે નાગરિકોને તાકીદે બંકરોમાં ભરાઈ જવા આદેશ આપ્યો છે. જોકે, બહેરીન સેનાએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનના અનેક ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે.
કુવૈત એરપોર્ટ બંધ: સુરક્ષાના કારણોસર કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સનું ટેક-ઓફ અને લેન્ડિંગ અટકાવી દેવાયું છે. કુવૈતના એરસ્પેસ પર ખતરો હોવાથી તમામ રૂટ ડાયવર્ટ કરાયા છે.
જોર્ડનની એક્શન: જોર્ડનની સેનાએ પણ પોતાના એરસ્પેસમાં ઘૂસેલી ઈરાનની 10 મિસાઈલોને તોડી પાડી હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
- હોર્મુજ જળડમરુમધ્યમાં ટ્રાફિક ઠપ: ઇરાકે શોધ્યો વૈકલ્પિક માર્ગ
યુદ્ધની સીધી અસર વૈશ્વિક તેલ વ્યાપારની લાઈફલાઈન ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુજ’ (હોર્મુજ જળડમરુમધ્ય) પર પડી છે. મરીન ટ્રાફિકના અહેવાલ મુજબ, આ દરિયાઈ માર્ગેથી પસાર થતા જહાજોની સંખ્યા અડધી થઈ ગઈ છે. આ તણાવ વચ્ચે ઇરાકે હોર્મુજ પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. ઇરાકે અમેરિકી તેલ કંપની ‘શેવરોન’ સાથે એક મોટો કરાર કર્યો છે, જેના હેઠળ બંધ પડેલી ‘ઇરાક-સીરિયા ક્રૂડ ઓઇલ પાઇપલાઇન’ ફરી શરૂ કરવામાં આવશે, જેથી ભૂમધ્ય સમુદ્રના બંદરો દ્વારા તેલની નિકાસ ચાલુ રાખી શકાય.
-
ઈરાનમાં પાણી-વીજળીનું સંકટ: 10 હજારથી વધુ લોકો પ્રભાવિત
અમેરિકાના બોમ્બમારાથી ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચી છે. ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના જાસ્ક શહેરમાં અમેરિકી મિસાઈલો ત્રાટકતા દરિયાના પાણીને મીઠું બનાવતો ‘ડિસેલિનેશન પ્લાન્ટ’ અને પમ્પિંગ સ્ટેશન સંપૂર્ણ નાશ પામ્યા છે. આ હુમલાને કારણે આસપાસના 20 જેટલા ગામોના 10000 થી વધુ લોકો માટે પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. આ ઉપરાંત બંદર અબ્બાસ રોડ પર આવેલા બે મુખ્ય પુલો પણ અમેરિકી હુમલામાં ધ્વસ્ત થયા છે, જેમાં અનેક નાગરિકોના મોતના અહેવાલ છે.
- ઈરાને UN ને પત્ર લખ્યો: ‘મહા-આક્રમક અભિયાન’ ની ચેતવણી
અમેરિકી હુમલાના વિરોધમાં ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. UN માં ઈરાનના પ્રતિનિધિ અમીર-સઈદ ઇરાવાનીએ જણાવ્યું છે કે, “અમેરિકા ઈરાનના બંદરો, ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને વીજ-પાણી જેવા નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આનાથી પર્યાવરણ અને પ્રાદેશિક સુરક્ષાને જે નુકસાન થશે તેની સંપૂર્ણ જવાબદારી અમેરિકાની રહેશે.” બીજી તરફ, ઈરાનના સૈન્ય સલાહકારે અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા તેના હુમલા તાત્કાલિક બંધ નહીં કરે, તો ઈરાન આરપારની લડાઈ લડશે અને ગમે તે ઘડીએ ‘મહા-આક્રમક અભિયાન’ (મેગા ઓફેન્સિવ ઓપરેશન) શરૂ કરી દેશે.


