1. Home
  2. ગુજરાતી
  3. સ્પેસ સેક્ટરમાં ભારતનો નવો ઇતિહાસ: પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું શ્રીહરિકોટાથી સફળ ઉડાન તરફ પ્રયાણ
સ્પેસ સેક્ટરમાં ભારતનો નવો ઇતિહાસ: પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું શ્રીહરિકોટાથી સફળ ઉડાન તરફ પ્રયાણ

સ્પેસ સેક્ટરમાં ભારતનો નવો ઇતિહાસ: પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું શ્રીહરિકોટાથી સફળ ઉડાન તરફ પ્રયાણ

0
Social Share

શ્રીહરિકોટા, 18 જુલાઈ 2026 : ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 11.30 વાગ્યે નિર્ધારિત આ લોન્ચિંગ પ્રક્રિયાને ટેકનિકલ કારણોસર લોન્ચિંગના થોડા સમય પહેલા જ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તમામ ચકાસણી પૂર્ણ કરી રોકેટનું લોન્ચિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આ પ્રથમ ખાનગી રોકેટના લોન્ચિંગની ભારોભાર પ્રશંસા કરી છે. તેમણે આ મિશનને દેશની સ્પેસ જર્નીમાં એક ‘ઐતિહાસિક નવી સીમા’ ગણાવ્યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું કે, આ સિદ્ધિ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા અને તેમની સાહસિક ઉદ્યોગસાહસિકતાની ભાવનાનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે. આ ઐતિહાસિક ઉડાનને ‘મિશન આગમન’નામ આપવામાં આવ્યું છે, જે ‘વિક્રમ-1’ રોકેટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ (પરીક્ષણ ઉડાન) છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલા આ ઓર્બિટલ લોન્ચ વ્હીકલની ક્ષમતાઓની ચકાસણી કરવા માટે આ મિશન હાથ ધરવામાં આવ્યું છે.

  • ‘વિક્રમ-1’ રોકેટની વિશેષતાઓ અને તાકાત

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં આ રોકેટનું નામ ‘વિક્રમ-1’ રાખવામાં આવ્યું છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે,

હલકું અને મજબૂત માળખું: આ 24 મીટર લાંબું રોકેટ સંપૂર્ણપણે કાર્બન-કમ્પોઝિટ સ્ટ્રક્ચરથી બનેલું છે. કાર્બન ફાઈબર સૌથી મજબૂત સ્ટીલ કરતાં પણ પાંચ ગણું હલકું હોવાથી રોકેટનું વજન ઘટ્યું છે અને તેની કાર્યક્ષમતામાં ધરખમ વધારો થયો છે.
મલ્ટિપલ સેટેલાઇટ લોન્ચ ક્ષમતા: રોકેટમાં ત્રણ સોલિડ પ્રોપલ્શન સ્ટેજ છે. તેની સૌથી ઉપર ‘ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલ’ લગાવવામાં આવ્યું છે, જે એક જ મિશનમાં અલગ-અલગ સેટેલાઇટ્સને જુદી-જુદી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં સક્ષમ છે.
લોડ કેપેસિટી: વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO – 450 કિમી)માં ૩૫૦ કિલોગ્રામ સુધીના નાના ઉપગ્રહોને લઈ જવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

  • વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો વધશે

અત્યાર સુધી ભારતમાં ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું કામ માત્ર સરકારી સંસ્થા ઇસરો જ કરતી હતી. પરંતુ ‘વિક્રમ-1’ની સફળતા બાદ હવે ભારતની ખાનગી કંપનીઓ પણ વૈશ્વિક સ્તરે કોમર્શિયલ લોન્ચિંગની સેવાઓ આપી શકશે. IN-SPACe ના ટેકનિકલ ડાયરેક્ટર રાજેશ જોથીના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં સ્પેસ સેક્ટરમાં થયેલા સુધારા બાદ ખાનગી કંપનીઓની ભાગીદારી ઝડપથી વધી છે. આ મિશન નાના ઉપગ્રહોના વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

  • ચોખાના દાણાથી નાની મૂર્તિઓ અને પીએમનો સંદેશ પણ અવકાશમાં જશે

મિશન આગમન હેઠળ રોકેટની સાથે કેટલાય અનોખા પેલાઇડ્સ મોકલવામાં આવ્યા છે:
લેબ-ગ્રોન ડાયમંડ: બેંગલુરુની કંપની ‘કોસ્મોસ ડાયમંડ્સ’ દ્વારા ખાસ લેબમાં તૈયાર કરાયેલું ‘ડાયમંડ લોટસ’ સ્પેસમાં મોકલાયું છે.
અદભુત માઇક્રોઆર્ટ: કલાકાર અજય કુમાર મત્તેવાડા દ્વારા ૧૮ કેરેટ સોનામાંથી બનાવેલું એક નાનું રોકેટ મોકલવામાં આવ્યું છે. આ મિની રોકેટની અંદર ભારતના ત્રણ મહાન વૈજ્ઞાનિકો – સર સી.વી. રમન, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની ચોખાના દાણા કરતાં પણ નાની અત્યંત સૂક્ષ્મ મૂર્તિઓ કંડારવામાં આવી છે.
પીએમનો સંદેશ: આ મિશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત પોસ્ટકાર્ડ પણ મોકલવામાં આવ્યો છે, જેના પર વંદે માતરમ લખેલું છે. આ સિવાય કંપનીની ટીમ, રોકાણકારો અને વિશ્વભરના શુભેચ્છકોના સંદેશા પણ સ્પેસમાં મોકલવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code