Site icon Revoi.in

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

Social Share

સુરતઃ વરસાદી સીઝનને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર તાવ સહિતના કેસ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં તો સવારથી દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે. જેમાં  સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનું તાવથી મોત નીપજ્યું છે.

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં સીઝનલ તાવની બિમારીમાં સૌથી વધુ બાળકો સપડાયા છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં આવતી રોજબરોજની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે. ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ જર્જરીત હોવાથી તોડવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે અલગ અલગ વિભાગોને અલગ અલગ બિલ્ડીંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાળકોના વિભાગને સ્ટેમસેલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડીંગના સાતમા અને આઠમા માળ પર બાળકોનો વોર્ડ આવેલો છે.

સુરત સિવિલ હોસ્પિટલના તબિબોના કહેવા મુજબ  પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. બાળકોના વિભાગમાં 200થી વધુ બેડની વ્યવસ્થા છે. જોકે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર બે બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે વધુ વ્યવસ્થા કરવામાં આવશે. ઓપીડીમાં 180 જેટલા દર્દીઓ સામાન્ય દિવસમાં આવે છે તેની કરતા અત્યારે 250થી વધુ રોજની ઓપીડી આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ 250થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ કરવામાં આવેલા છે.

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત 3 ઓગસ્ટના રોજ વેસુના 19 વર્ષીય વોચમેનનું ડેન્ગ્યુમાં મોત થયું હતું. ત્યારે શહેરમાં  વધુ એક ગોડાદરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવક ત્રણ મહિના પહેલા જ રોજીરોટી માટે વતનથી સુરત ખાતે આવ્યો હતો. અને ડેન્ગ્યુ ભરખી જતાં મોતને ભેટ્યો હતો.