Site icon Revoi.in

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી

Social Share

સુરતઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના લીધે સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓના ધસારાથી ઉભરાઈ રહી છે, સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ સારવાર માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

શહેરની નવી સિવિલ હોસ્પિટલની હાલ ઓપીડીમાં દરરોજ સરેરાશ 700 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આ કુલ દર્દીઓમાંથી લગભગ 250 જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટીના કેસ ધરાવતા નોંધાયા છે. આ વધારો સીધો જ ઋતુગત ફેરફાર અને ભેજવાળા વાતાવરણ સાથે સંકળાયેલો છે. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવતા શ્રમિકોની સંખ્યા વિશેષ છે, જેઓ ઝડપથી આ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોના કહેવા મુજબ, હાલ સિઝનમાં પરિવર્તન થવાના કારણે વાયરલના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ દર્દીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આવી રહ્યા છે. હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોવાના કારણે અન્ય નિયમિત દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, જેના કારણે હોસ્પિટલ સ્ટાફ હાલ તમામ દર્દીઓને પૂરતી અને સારી સારવાર આપી શકવા સક્ષમ છે. જોકે, તેમણે સામાન્ય જનતાને તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા માટેની સૂચના આપી છે. (File photo)