ભારત પર તોળાતું જળ સંકટ: વર્ષે ક્ષમતા કરતાં 61 ટકા વધુ ભૂગર્ભ જળનો વપરાશ
નવી દિલ્હી : ભારત અત્યારે એક એવા સંકટ તરફ મૌન રીતે આગળ વધી રહ્યું છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ભૂગર્ભ જળના આંકડા અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર, દેશમાં જે ગતિએ જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતા અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં ‘ડ્રાય ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે.
વરસાદ અને અન્ય સ્ત્રોતો દ્વારા દર વર્ષે જમીનમાં અંદાજે 448 અબજ ઘન મીટર પાણી ભરાય છે. જો કે, તેમાંથી સુરક્ષિત રીતે વાપરી શકાય તેવું પાણી માત્ર 407 અબજ ઘન મીટર જ છે. વર્ષ 2025માં ભારતે આ જથ્થામાંથી 247 અબજ ઘન મીટર પાણી જમીનમાંથી બહાર ખેંચી લીધું છે. દેશના કુલ 6,762 વિસ્તારો (બ્લોક, તાલુકા અને મંડળ) ના આકલનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 730 વિસ્તારો એવા છે જ્યાં જમીનમાં જેટલું પાણી ઉતરે છે તેના કરતા વધુ કાઢવામાં આવે છે. જ્યારે 201 વિસ્તારોની સ્થિતિ અત્યંત નાજુક છે. આ ઉપરાંત 758 વિસ્તારોમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચ્યું છે.
સરકારી આંકડા મુજબ 73 ટકા વિસ્તારો ‘સુરક્ષિત’ શ્રેણીમાં છે, પરંતુ આ માત્ર જથ્થાની દ્રષ્ટિએ છે. વાસ્તવિકતામાં આ વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં આર્સેનિક, ફ્લોરાઈડ અને નાઈટ્રેટ જેવા ઝેરી તત્વો ભળેલા છે. ફ્લોરાઈડ હાડકાં માટે ખતરનાક છે, જ્યારે નાઈટ્રેટ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ટૂંકમાં, જમીનમાં પાણી તો છે પણ તે માનવ વપરાશ માટે સુરક્ષિત નથી.
સરકારે દાવો કર્યો છે કે જળ સંરક્ષણ માટે હજારો ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે. જોકે, હકીકત એ છે કે દેશના માત્ર 54 ટકા કૂવાઓમાં જ પાણીના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે. બાકીના અડધા દેશમાં ભૂગર્ભ જળ સતત નીચે જઈ રહ્યું છે. ખેતી માટેના બોરવેલ દર વર્ષે ઊંડા થઈ રહ્યા છે અને શહેરોમાં પાણી માટે ટેન્કર રાજની મજબૂરી વધી રહી છે.


