- આજી ડેમમાં 23.29 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
- સૌની યોજના હેઠળ આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા સરકારને રજુઆત,
- લોકોને સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ
રાજકોટઃ સૌની યોજનાનો લાભ મળ્યા બાદ રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. વર્ષો પહેલા દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી હતી. હાલ ઉનાળાના સમયમાં શહેરમાં પાણીનો વપરાશમાં વધારો થયો છે. પ્રતિદિન ઘરદીઠ સરેરાશ 400 લિટર પાણીનો વપરાશ છે. અને ગરમીને લીધે પાણીનો વપરાશ વધી રહ્યો છે. બીજીબાજુ શહેરને પાણી આપતા આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલે પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી, આથી મ્યુનિના સત્તાધિશો દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી આજી અને ન્યારી ડેમ ભરવાની સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ઉનાળાને કારણે પાણીની માંગમાં વધારો નોંધાયો છે. શિયાળાની સરખામણીએ શહેરમાં પાણીની માંગ વધતા દૈનિક 380 લિટરની સામે હાલ 400-450 લીટર પાણી વિતરણ ઘરદીઠ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પણ પાણીનો બગાડ નહીં કરીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા શહેરનાં મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ શહેરીજનોને દરરોજ 20 મિનિટ પાણી આપવા માટે તંત્ર સંપૂર્ણપણે સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને ફરી પત્ર લખીને મે માસના અંતમાં આજીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવાની માગ કરવામાં આવી છે. મ્યુનિના સત્તાધિશોએ રાજ્યના સિંચાઇ વિભાગને લખેલા પત્રમાં જણાવાયા મુજબ હાલમાં આજીડેમમાં 23.29 (567 MCFT) પાણીનો જથ્થો છે. શહેરમાં તમામ વાર્ડમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરાતું હોય, આ જળ જથ્થો જૂન મહિનાની 15 તારીખ સુધી ચાલે તેમ છે. આ સંજોગોમાં જો સૌની યોજના હેઠળ નર્મદાના નીર નહીં મળે તો રાજકોટમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ શકે તેમ છે. ત્યારે જૂન માસ પહેલા મે મહિનાના અંતમાં જ 500 MCFT નર્મદાના નીર આજીડેમમાં ઠાલવવાની માંગ કરાઈ છે.
આ અંગે રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીના કારણે સ્વાભાવિક રીતે પાણીની માંગમાં વધારો થયો છે. જેના કારણે હાલ ઘરદીઠ 380 લિટરનાં બદલે 400-450 લિટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચિંતાની કોઈ વાત નથી પરંતુ, વધુને વધુ લોકો રાજકોટમાં રહેવા આવે છે તેમજ નવા વિસ્તારો ભળતા હોવાથી પાણીની ડિમાન્ડ રહેવાની છે. ઉનાળામાં જમીનના તળ ડૂકી ગયા હોવાથી બોર કે કૂવાનાં પાણી મળતા નથી, જેના કારણે પાણીની માંગ વધે છે. આમ શિયાળાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગમાં 8થી 10 ટકાનો વધારો થતો હોય છે. જે મુજબ હાલ પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.