Site icon Revoi.in

વઢવાણમાં ઉનાળાના આગમન પહેલા જ પાણીનો કકળાટ, 6 દિવસે મળતું પાણી

Social Share

વઢવાણ, 16 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન ટાણે જ વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે. સુરેન્દ્રનગર મ્યુનિ,કોર્પોરેશનની નિષ્કાળજીને લીધે લોકોને 6 દિવસથી પાણી મળતુ નથી.હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ વઢવાણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા છ દિવસથી વઢવાણના રહેણાંક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોને મોંઘા ભાવના ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે.

વઢવાણના શિયાણી પોળ, ધોળી પોળ, મસ્જિદ ચોક, નવા દરવાજા અને ખાંડી પોળ સહિતના તમામ વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક રહીશોએ આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી, ત્યારે જાણવા મળ્યું કે મુખ્ય પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે વઢવાણની બંને ટાંકીઓના વાલ્વ એકસાથે કામ કરતા બંધ થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી છોડવામાં આવશે, પરંતુ ત્યાં સુધી જનતાએ પાણી વગર રહેવું પડશે. નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધા ન મળતા ગૃહિણીઓએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

વઢવાણની નજીક આવેલો ધોળીધજા ડેમ હાલ 16 ફૂટની સપાટીએ ભરેલો છે. આ ડેમ આખા સૌરાષ્ટ્રની તરસ છીપાવે છે, પરંતુ ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનની અણઘડ પાણી વિતરણ વ્યવસ્થા અને ઘોર બેદરકારીને કારણે શિયાળામાં જ પાણીની તંગી સર્જાઈ છે. જો શિયાળામાં આ પ્રકારની હાલાકી હોય, તો આગામી ઉનાળામાં પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તે વિચારીને જ નગરજનો ફફડી રહ્યા છે. હાલમાં સ્થાનિકો દ્વારા તાકીદે પાણી વિતરણ શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Exit mobile version