
ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 20 જુન સુધીમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. એટલે હજુ 20 દિવસ બાદ સારો વરસાદ થાય તો ડેમ અને જળાશયો ભરાય પણ હાલ મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં પણ પાણીની સંગ્રહ ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. સૌથી કપરી સ્થિતિ ઉત્તર ગુજરાત અને કચ્છની છે. છેવાડાના અંતરિયાળ ગામડાંમાં પાણીનો પોકાર થઈ રહ્યો છે, ઘણાબધા ગામોને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માત્ર 7 ટકા છે, એમાંય સાબરકાંઠામાં 3.50 ટકા, બનાસકાંઠામાં 4.77 ટકા, અરવલ્લીમાં 5.47 ટકા અને મહેસાણામાં 9.95 ટકા જીવંત પાણીનો સંગ્રહ બચ્યો છે. કચ્છના ડેમોમાં 8.47 ટકા ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 2.35 ટકા, બોટાદમાં 3.68 ટકા, જામનગરમાં 16.52 ટકા, જૂનાગઢમાં 18.65 ટકા, પોરબંદરમાં 19.54 ટકા, સુરેન્દ્રનગરમાં 18.73 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે.નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતા 19.46 ટકા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મધ્ય ગુજરાતમાં ખેડાના ડેમમાંપાણી જ નથી. જ્યારે દાહોદમાં 20.70 ટકા પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 8.96 ટકા, નવસારીમાં 10.28 ટકા, ભરૂચમાં 32.90 ટકા જીવંત સંગ્રહ છે, સૌરાષ્ટ્રમાં ગત ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડયો હતો, જેના કારણે સુરત-નવસારીને બાદ કરતાં મોટા ભાગના જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ કપરી સ્થિતિ નથી.ગુજરાતમાં અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેઘરાજાના આગમનમાં વિલંબ થશે તો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે..હવામાન વિભાગના કહેવા મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. કેટલાક હવામાનની આગાહી કરનારા અનુભવીઓના કહેવા મુજબ ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા. જો આમ થયું તો રાજ્યમાં આગામી વર્ષે પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે.