Site icon Revoi.in

સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા

Social Share

સુરત,19 જાન્યુઆરી 2026: જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. પાણીની નવી બનાવેલી ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડતા 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ, ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી. જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. પાણીની ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકોને ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીનદોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે.

Exit mobile version