અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય બાદ ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને ફાગણના પ્રારંભમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. આજે સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં તેમજ ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.
વસંત ઋતુના આગમન સાથે રાજ્યભરમાં સૂર્ય નારાયણ આકરા તાપમાનના એંધાણના સંકેતો આપી રહ્યા છે. જોકે બપોરના ટાણે ગરમી અને વહેલી પરોઢે ઠંડી એમ બેઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. આજે ભરૂચ અને ગાંધીનગરના જિલ્લાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ બપોર બાદ હળવુ ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરનો ભેજ પશ્ચિમ વિક્ષેપમાં ભળી જવાની શક્યતા રહેશે. આથી આવતા કાલે તારીખ 24 અને 25 ફેબ્રુઆરીમાં હવામાનમાં ફરીવાર પલટો આવવાની શક્યતા છે. બંગાળનો ઉપસાગરનો ભેજ પણ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી આવતા દક્ષિણ ગુજરાતમાં માવઠુ પડવાની શક્યતા છે.
હાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. આજે ભરૂચ અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે સુરત, તાપી, ભરૂચ. નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાને યલો એલર્ટ આપ્યુ છે.

