Site icon Revoi.in

ગુજરાતમાં હવે ફરીવાર 29મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે, માવઠાની શક્યતા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. એકાએક તાપમાનમાં વધારો થતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વાર વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. છેલ્લા સપ્તાહથી રાતે થોડી ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી તા. 29મી માર્ચથી 1લી એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠુ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. શિયાળાની વિદાય ટાણે જ એકાએક ગરમીમાં વધારો થયો હતો. ત્યારબાદ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે, અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.

માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટબન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

 

Exit mobile version