Site icon Revoi.in

ગુજરાતમાં લગ્નસરાની સીઝન 16મી નવેમ્બરથી શરૂ થશે, લગ્નો માટે માત્ર 40 જ મુહૂર્ત

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ હવે 2જી નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીએ દેવ પોઢી જાય છે અને આ દિવસે શુભ કાર્યોના મુહૂર્ત ખુલી જતા હોય છે. પણ આ વખતે નક્ષત્ર અને રાશિના વિચિત્ર સંયોગ વચ્ચે લગ્નમુહૂર્ત માટે 16 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. 16મી નવેમ્બરથી લગ્નો માટે ઢોલ ઢબુકશે. પંડિતોના કહેવા મુજબ લગ્નસરાની નવી સિઝનમાં લગ્ન માટે માત્ર 40 જ મુહૂર્ત છે. જેથી એક મૂહૂર્તમાં વધુ લગ્નો યોજાય શકે છે. તેના માટે હોસ અને પાર્ટી પ્લોટ્સ બુક થવા લાગ્યા છે.

કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ હિન્દુ શાસ્ત્રો અનુસાર ચાતુર્માસના ચાર મહિના દરમિયાન શ્રાવણ માસ, ગણેશોત્સવ, નવરાત્રી, રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળીની ભવ્ય ઊજવણી થાય છે. આ ચાતુર્માસ હવે 2જી નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી સાથે પૂરા થઈ જશે. દેવઉઠી એકાદશીથી દેવ પોઢી જાય છે અને આ દિવસે શુભ કાર્યોના મુહૂર્ત ખુલી જતા હોય છે. જોકે, આ વખતે નક્ષત્ર અને રાશિના વિચિત્ર સંયોગ વચ્ચે લગ્નમુહૂર્ત માટે 16 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. ચંદ્ર નક્ષત્ર અને રાશિને કારણે વિચિત્ર સંયોગમાં મુહૂર્ત ન હોવાથી લગ્નેચ્છુકોને પખવાડિયા સુધી વિલંબનો સામનો કરવો પડશે. 16 નવેમ્બરે લગ્નસરાની નવી સિઝનનું પહેલું મુહૂર્ત આવશે, અને ત્યારબાદ 14 મે, 2026 સુધી આ સિઝન ચાલશે. સમગ્ર સિઝનમાં માત્ર 40 જેટલા જ મુહૂર્ત રહેશે.

કર્મકાંડી પંડિતોએ જણાવ્યું હતું કે,  ગત વર્ષે લગ્નસરામાં 76 મુહૂર્ત હતા, તેની સરખામણીએ નવી સિઝનમાં માત્ર 40 મુહૂર્ત જ રહેશે, જેનું મુખ્ય કારણ કમુરતા, હોળાષ્ટક અને ગ્રહોના અસ્તને ગણાવી શકાય. શુક્રનો અસ્ત: 13 ડિસેમ્બરથી ૩ ફેબ્રુઆરી, ધનારક કમુરતા: 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી, હોળાષ્ટક: 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ, મીનારક કમુરતા: 14 માર્ચથી 14 એપ્રિલ, ગુરુનો અસ્ત: 15 જુલાઇથી 9 ઓગસ્ટ. આ પછી 25 જુલાઇથી ચાતુર્માસ શરૂ થઇ જતાં લગ્નની સિઝન પૂરી થઇ જશે. આમ, ગ્રહોના સંયોગ અને વિવિધ પ્રતિબંધક કાળના કારણે આ વર્ષે લગ્નસરાની નવી સિઝનમાં ઓછા મુહૂર્તની ચિંતા પરિવારોને સતાવશે.

Exit mobile version