1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળ: ચૂંટણી પ્રચાર દરમિયાન અધીર રંજન ચૌધરી પર હુમલો, TMC સામે આક્ષેપ
પશ્ચિમ બંગાળ: ચૂંટણી પ્રચાર દરમિયાન અધીર રંજન ચૌધરી પર હુમલો, TMC સામે આક્ષેપ

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પ્રચાર દરમિયાન અધીર રંજન ચૌધરી પર હુમલો, TMC સામે આક્ષેપ

0
Social Share

કોલકાતા, 4 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મુર્શિદાબાદ જિલ્લામાં હિંસાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બહેરામપુર બેઠકના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ શનિવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો પર તેમના પ્રચાર અભિયાન દરમિયાન હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય તણાવમાં ભારે વધારો થયો છે.

અહેવાલ મુજબ, અધીર રંજન ચૌધરી જ્યારે બહેરામપુર વિધાનસભા ક્ષેત્રમાં જનસંપર્ક અભિયાન હેઠળ લોકોની મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટીએમસીના કાર્યકરો હોવાનું કહેવાતા લોકોએ તેમના કાફલાને રોક્યો હતો. આરોપ છે કે, કાર્યકરોએ અધીર રંજન અને તેમના સમર્થકો સાથે ઝપાઝપી કરી હતી અને પ્રચારમાં અવરોધ ઊભો કર્યો હતો. આ હુમલામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ આકરા પ્રહાર કરતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ હુમલો પૂર્વ આયોજિત હતો. તૃણમૂલ કોંગ્રેસ હિંસાના જોરે વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે.” કોંગ્રેસે આ મામલે સીધો ટીએમસી પર નિશાન સાધતા લોકશાહીના ચીરેચીરા ઉડ્યા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપથી બંગાળનું રાજકારણ ગરમાયું છે.

ઘટનાની ગંભીરતાને જોતા ચૂંટણી પંચે આ મામલે દરમિયાનગીરી કરી છે. પંચે શનિવારે બંગાળ વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે અને સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ તલબ કર્યો છે. આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવા અને હિંસામાં સામેલ તત્વો સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code