Homeગુજરાતીદેશ-વિદેશપશ્ચિમ બંગાળઃ મમતા બેનર્જીની ભત્રીજીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

પશ્ચિમ બંગાળઃ મમતા બેનર્જીની ભત્રીજીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

કોલકાતા, 1 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મમતા બેનરજીની ભત્રીજી વૃષ્ટિ મુખર્જીએ આત્મહત્યા કરી લીધી છે. રામપુરહાટ સ્થિત તેમના નિવાસસ્થાને તેમનો મૃતદેહ ફાંસે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 4 થી 5 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વૃષ્ટિ મુખર્જી એ મમતા બેનરજીના કૌટુબિંક ભાઈ નિહાર મુખર્જીની પુત્રી હતી. નિહાર મુખર્જી રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બ્લોક પ્રમુખ રહી ચૂક્યા છે. વૃષ્ટિનું મોસાળ રામપુરહાટના કુસુમ્બા ગામમાં આવેલું છે, જ્યાં આ ઘટના બની હતી. તેઓ એક સ્થાનિક શાળામાં ગ્રુપ-સી કર્મચારી તરીકે સેવા આપી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ તેમની સરકારી નોકરી (ગ્રુપ-સી) જતી રહી હતી. આ ઉપરાંત, હાલમાં જ તેમના છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો હતો, જેને કારણે તેઓ ભારે માનસિક દબાણ અને તણાવ હેઠળ હતા. કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરમિયાન અંદાજે 90 ટકા ઓએમઆર શીટમાં ગરબડ થઈ હતી, જેમાં વૃષ્ટિ સહિતના અનેક ઉમેદવારોના નામ સામે આવ્યા હતા કે જેમણે કથિત રીતે ગેરરીતિનો લાભ લીધો હતો. આ કાનૂની કાર્યવાહી બાદ તેમની નોકરી છીનવાઈ ગઈ હતી.

  • પોલીસે તપાસ શરૂ કરી

કુસુમ્બા ગામમાં આવેલા તેમના ઘરની બીજા માળની બાલ્કનીમાં મૃતદેહ લટકેલી અવસ્થામાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રામપુરહાટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ તેમજ પ્રાથમિક તપાસ માટે રામપુરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા હોવાની શંકા વ્યક્ત કરી રહી છે, જો કે મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

રામપુરહાટ પોલીસ આ દુર્ઘટના પાછળના વાસ્તવિક સંજોગો અને કારણો જાણવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. બીજી બાજુ, શોકમગ્ન પરિવારજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની માનસિક સ્થિતિ સારી નહોતી અને તેઓ ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. આ અણધારી આફતે સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular