આજના સમયમાં ખરાબ ઊંઘ, દિવસભર થાક, આંખોમાં દુખાવો કે બળતરા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. મગજ અને આંખો પર પડતી આ ખરાબ અસર પાછળનું એક મોટું કારણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ છે. લોકો કલાકો સુધી સ્ક્રીન સામે સમય વિતાવે છે, જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ જોવી સૌથી સામાન્ય છે. જ્યારે રાત્રે સૂતા પહેલા લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બને છે, કારણ કે અંધારામાં ફોનમાંથી નીકળતી બ્લુ લાઈટ શરીરને અનેક પ્રકારે નુકસાન પહોંચાડે છે.
હવે લોકો ધીમે ધીમે સમજવા લાગ્યા છે કે ફોનની લત સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી સાબિત થઈ રહી છે. આ જ કારણોસર નિષ્ણાતો સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા ફોનને હાથ ન લગાવવાની સલાહ આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂવાના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરવાથી આપણા શરીરમાં શું બદલાવ આવે છે?
શરીરને મળે છે કુદરતી આરામ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા ફોનને દૂર રાખવાથી અથવા બંધ કરવાથી શરીર અને મગજને કુદરતી રીતે ઊંઘ માટે તૈયાર થવાનો પૂરતો સમય મળે છે. આપણી ઊંઘ અને જાગવાની પ્રક્રિયા શરીરની ‘સર્કેડિયન રિદમ’ (ઘડિયાળ) દ્વારા નિયંત્રિત થાય છે.
મેલાટોનિન હૉર્મોન પર અસર
રાત્રે મોબાઈલ ફોન અને અન્ય સ્ક્રીનમાંથી નીકળતી કૃત્રિમ રોશની, ખાસ કરીને બ્લુ લાઈટ, શરીરમાં ‘મેલાટોનિન’ હૉર્મોનના સ્ત્રાવને પ્રભાવિત કરે છે. આ હૉર્મોન મગજને સંકેત આપે છે કે હવે આરામ કરવાનો અને ઊંઘવાનો સમય થઈ ગયો છે. તેથી, સૂતા પહેલા સ્ક્રીનથી અંતર રાખવાથી જલ્દી અને ગાઢ ઊંઘ આવવાની પ્રક્રિયા સરળ બને છે.
ઊંઘના પેટર્ન પર સુધારો
આનો ફાયદો માત્ર સ્ક્રીનની રોશની ઓછી થવા પૂરતો મર્યાદિત નથી. મોબાઈલ પર સોશિયલ મીડિયા, વીડિયો, સમાચાર કે નોટિફિકેશન્સ સતત જોવાથી મગજ સતત સક્રિય રહે છે. ઘણીવાર વ્યક્તિ માત્ર થોડી મિનિટો માટે ફોન હાથમાં લે છે, પરંતુ સમય પસાર થઈ જવાથી સૂવાનો સમય મોડો પડે છે, જેનાથી ઊંઘની કુલ અવધિ પણ ઘટી જાય છે.
ફોન નહીં, પુસ્તક વાંચવાની ટેવ પાડો
સૂવાના એક કલાક પહેલા ફોનને અલગ રાખવાની આદત મગજને શાંત કરે છે અને શરીરને ઊંઘ માટે તૈયાર કરે છે. આ સમય દરમિયાન પુસ્તક વાંચવું, હળવી સ્ટ્રેચિંગ કરવી, ધ્યાન કરવું અથવા પરિવાર સાથે શાંતિથી વાતચીત કરવી જેવા વિકલ્પો અપનાવી શકાય છે. જો કે, એ સમજવું પણ જરૂરી છે કે માત્ર ફોન બંધ કરી દેવાથી જ બધી ઊંઘની સમસ્યાઓનું સમાધાન નથી થઈ જતું; પૂરતી ઊંઘ, સૂવા-જાગવાનો નિયમિત સમય અને સ્વસ્થ જીવનશૈલી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેને નિયમિત આદત બનાવવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને બીજા દિવસે શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે.


