સોશિયલ મીડિયા અને ફોનની સ્ક્રીન પર સતત રીલ્સ જોવાની લત તથા નોટિફિકેશનોથી પરેશાન થઈને ઘણા લોકો હવે શાંતિની પળો વિતાવવા માંગતા હોય છે. જો તમે પણ આ વર્ચ્યુઅલ દુનિયાથી બ્રેક લઈને ‘ડિજિટલ ડિટોક્સ’ કરવા માંગતા હોવ, તો ભારતની એવી જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ જ્યાં મોબાઈલનું નેટવર્ક નહિવત હોય છે. આ નવી ‘ટ્રાવેલ થેરેપી’ નોટિફિકેશન અને નેટવર્કથી દૂર રહીને કુદરત વચ્ચે શાંતિથી જીવવાનો અનોખો અનુભવ કરાવે છે. તો ચાલો જાણીએ ભારતના આવા જ કેટલાક સાયલન્ટ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ વિશે:
તીર્થન વૈલી, હિમાચલ પ્રદેશ
શિમલા અને મનાલીની ભીડભાડથી દૂર જો તમે શાંતિ અને સુકૂનની પળો વિતાવવા માંગતા હોવ, તો તીર્થન વૈલી શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંના સુંદર ગામડાઓમાં ફરવાની મજા જ કંઈક અલગ છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીંની ઘણી જગ્યાઓ પર મોબાઈલ કનેક્ટિવિટી મર્યાદિત રહે છે. અહીં મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી નવેમ્બરનો ગણાય છે અને 3 દિવસની ટ્રીપ માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે.
ઝીરો વૈલી, અરૂણાચલ પ્રદેશ
ઉત્તર-પૂર્વ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાં ગણાતી ઝીરો વૈલી તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં પહોંચ્યા પછી મોબાઈલથી અંતર બનાવીને સ્થાનિક ગામડાઓની જીવનશૈલીને નજીકથી જોઈ શકાય છે. અહીં લીલાછમ ડાંગરના ખેતરોમાં ચાલવાનો લહાવો જ અલગ છે. આ ઉપરાંત, અહીં ‘ટૈલી વૈલી વાઇલ્ડલાઇફ સેન્ચુરી’ ની મુલાકાત પણ લઈ શકાય છે. આસપાસના પર્વતોના મનમોહક દ્રશ્યો મનને સીધા સ્પર્શી જાય છે.
ચોપતા, ઉત્તરાખંડ
દેવભૂમિ ઉત્તરાખંડનું ચોપતા તેની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા ટ્રેક માટે જાણીતું છે. મોટા શહેરો જેવો ટ્રાફિક જામ, બજારો, મોલ્સ અને સતત રણકતા ફોનના અવાજોથી દૂર આ એક શાંત જગ્યા છે. ચોપતાના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી ખૂબ જ ઓછી છે, જેના કારણે આ સ્થળ પરફેક્ટ ડિજિટલ ડિટોક્સ માટે ઉત્તમ માનવામાં આવે છે.
સ્પીતિ વૈલી, હિમાચલ પ્રદેશ
ઊંચાઈ પર હોવા છતાં આ એક ઠંડો રણ પ્રદેશ છે. સ્પીતિ વૈલી તેના મનોહર ગામડાઓ, પર્વતો, બૌદ્ધ મઠો અને અદભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે. વાસ્તવિક દુનિયાથી તદ્દન કપાઈ જવા માટે આનાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. અહીં ફરવા અને રોકાવવા માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી નવેમ્બરનો છે. જો તમે આગામી દિવસોમાં કોઈ સફરનું આયોજન કરી રહ્યા છો, તો આ ટૂરિસ્ટ સ્પોર્ટને તમારી ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો.


