Site icon Revoi.in

નાસ્તામાં રોજ સોજી ખાવાથી શું થાય? જાણો ફાયદા અને નુકસાન

Social Share

સોજી અથવા રવો (Semolina) ભારતીય રસોડામાં ખૂબ જ સામાન્ય રીતે વપરાય છે. ઇડલી, ઉપમા, હલવો, ઢોકળા, પુડલા, ડોસા કે ટોસ્ટ – અનેક વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. તે ઝડપથી બને છે અને સહેલાઈથી પચી જાય છે, એટલા માટે લોકો નાસ્તામાં તેને પસંદ કરે છે. સોજી ઘઉંમાંથી બને છે, પરંતુ ખાસ પ્રકારના ડ્યૂરમ ઘઉં (Durum Wheat)માંથી તૈયાર થાય છે. આ ઘઉંના દાણા કઠણ હોય છે. ઘઉંની સાફસફાઈ કર્યા પછી તેને ભીના રાખવામાં આવે છે અને પછી છાલ કાઢીને દાણાદાર સ્વરૂપમાં તોડવામાં આવે છે – એ રીતે બને છે સોજી. 56 ગ્રામ સોજીમાં આશરે 198 કેલરી, 40 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, તેમજ થાયમિન, ફોલેટ, રિબોફ્લેવિન, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્ત્વો મળી આવે છે. જો કે, બનાવવાની પ્રક્રિયા પછી તેમાંના કેટલાક તત્ત્વો ઘટી શકે છે. નિષ્ણાતોના મતે, જો તમે દરરોજ નાસ્તામાં ઇડલી, ઉપમા અથવા પુડલા જેવી સુજીની વસ્તુ ખાશો તો તેના ફાયદા અને નુકસાન બંને થઈ શકે છે. એટલે તેને મર્યાદિત માત્રામાં લેવું યોગ્ય છે.

સોજી હલકી અને સહેલાઈથી પચી જાય એવી ખાદ્ય વસ્તુ છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શરીરને તરત એનર્જી આપે છે. જો સોજીના નાસ્તામાં દહીં, દાળ કે શાકભાજી ઉમેરી લો તો પ્રોટીન, ફાઇબર અને વિટામિન જેવા પોષક તત્ત્વો પણ મળશે.

સોજીમાં ફાઇબર, આયર્ન અને વિટામિનની માત્રા ઓછી હોવાથી દરરોજ તેનો વધુ ઉપયોગ કરવાથી ડાયટમાં પોષણનો અસંતુલન થઈ શકે છે. ડાયટિશિયનોના મતે, ડાયાબિટીઝ ધરાવતા લોકોએ સોજીનું સેવન મર્યાદિત રાખવુ જોઈએ, કારણ કે સતત ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

સોજીમાં કાર્બોહાઇડ્રેટ્સ વધારે હોવાથી નિયમિત સેવનથી વજન વધવાનું જોખમ રહે છે. જો તેને ઘી, તેલ કે બટર વધુ માત્રામાં વાપરીને બનાવવામાં આવે તો તે વધુ હાનિકારક થઈ શકે છે. તેથી ઓછું તેલ-ઘી વાપરવું અને માત્રા નિયંત્રિત રાખવી જરૂરી છે.

જે લોકોને ગ્લૂટન ઈન્ટોલરન્સ હોય છે, તેમણે સુજીના ખોરાકથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં દુખાવો, ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્લૂટન ઘઉંમાં રહેલું એવું તત્વ છે જે લોટને લવચીક બનાવે છે.

નિષ્ણાતો કહે છે કે સુજીના ફાયદા મેળવવા માટે તેને હપ્તામાં બે થી ત્રણ વાર નાસ્તામાં લો. બાકીના દિવસોમાં ઓટ્સ, મૂંગદાળ ચીલા, બેસન પુડલા, પોહા કે સ્પ્રાઉટ્સ જેવા હેલ્ધી વિકલ્પો અજમાવો. આ રીતે શરીરને જરૂરી પોષક તત્ત્વો સંતુલિત રીતે મળી રહેશે.

Exit mobile version