
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રામ નવમીના દિવસે જહાંગીરીપુરીમાં થયેલી હિંસામાં પોલીસે ધમધમાટ તેજ કરી છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભાજપ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન દેશમાં એક અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ગેરકાયદે રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં 40 હજારથી વધારે રોહિંગ્યા વસવાટ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. જેથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યા મુસ્લિમો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બર્મામાં હિંસા ફાડી નીકળતા હજારો રોહિંગ્યા મુસ્લિમો દેશ છોડીને ભાગ્યાં હતા. દરમિયાન વકાલત સમૂહ હ્યૂમન સાઈટ્સ વોચના જણાવ્યા અનુસાર ભારતના જમ્મુ, હૈદરાબાદ, નૂર અને દિલ્હી સહિત સમગ્ર દેશના વિવિધ શહેરોમાં શરણાર્થી કેમ્પ અને ઝુંપડ્ડપટીઓમાં લગભગ 40 હજાર જેટલા રોહિંગ્યા વસવાટ કરે છે. દિલ્હીમાં જસોલા, યમુના નદીના કિનારે અને અન્ય સ્થળો ઉપર બનેલા રોહિંગ્યા કેમ્પમાં રહે છે. રોહિંગ્યા મુસ્લિમોની સામે 2017માં સૈન્ય કાર્યવાહી બાદ પાંચ હજાર જેટલા રોહિંગ્યાઓએ જમ્મુમાં શરણ લીધી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2020ના સરકારી આંકડા અનુસાર દેશમાં લગભગ 1.10 લાખ જેટલા બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે. ભારત આવવાના વિઝા પૂર્ણ થયા બાદ મોટાભાગના બાંગ્લાદેશી નાગરિકોએ પરત નહીં ફરીને ગેરકાયદે વસવાટ કર્યો હતો. જો કે, ગત વર્ષે પશ્ચિમ બંગાળના ભાજપના નેતા દીલીપ ઘોષએ ગત વર્ષે કહ્યું હતું કે, ભારતમાં લગભગ બે કરોડ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરે છે જે પૈકી એક કરોડ બાંગ્લાદેશીઓ બંગાળમાં જ વસવાટ કરી રહ્યાં છે. દરમિયાન દિલ્હીના જહાંગીરપુરીના સી-બ્લોસમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે. એટલું જ નહીં બાંગ્લાદેશી નાગરિકો જે ભાષા બોલે છે તે જ ભાષા હુમલાખોરો બોલતા હોવાનો એક પોલીસ કર્મચારીએ દાવો કર્યો છે. તેમજ જહાંગીરપુરી હુમલાના કેસમાં બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જેથી ભાજપના નેતાઓ દ્વારા આવા ગેરકાયદે નાગરિકો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.