
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકારે એક્શન પ્લાન અમલમાં મુકી દીધો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અપિલ કરવામાં આવી છે. દરમિયાન મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોને માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. આથી આજે ગુરૂવારથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રવેશતા લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ હોય એવા પ્રવાસીઓને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હાઈવે પર ગુજરાતના એન્ટ્રીપોઈન્ટ પર વાહનોની સવારથી જ મોટી લાઈનો જોવા મળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને જ આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત તમામ સ્થળોએ પણ કોરોના ટેસ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોના કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ અને એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા ગુરૂવારે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં થઈને પ્રવાસીઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરતા તમામ પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ પણ કરવામાં આવી રહ્યુ છે.
RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને રોકવા માટે જિલ્લામાં ખંગેલા, ટાંડા, આગાવાડા, મીનાક્યાર, નીમચ, કાંકણખીલા, ચાકલિયા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અહીં પોલીસ વિભાગ સાથે આરોગ્ય વિભાગ પણ ફરજ નિભાવી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તમામ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. આથી હાઈવે પરના ગુજરાતના એન્ટ્રી પોઈન્ટ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ઘણા વાહનચાલકો પણ લાંબી લાઈનોને કારણે કંટાળી ગયા હતા.