1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના મુખ્ય સચિવના પદ માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે?
ગુજરાતના મુખ્ય સચિવના પદ માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે?

ગુજરાતના મુખ્ય સચિવના પદ માટે કોના પર પસંદગીનો કળશ ઢોળાશે?

0
Social Share

ગાંધીનગર:  ગુજરાત સરકારના  હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ ઓગસ્ટના અંતમાં નિવૃત્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક તેમની આખરી બેઠક હતી તેમ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ગુજરાતને પહેલી સપ્ટેમ્બરથી નવા મુખ્ય સચિવ મળશે. ત્યારે હવે એ ચર્ચા શરૂ થઈ છે કે, અનિલ મુકીમના અનુગામી કોણ બનશે? મતલબ કે, રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ હશે. જોકે સિનિયર ગણાતા આઈએએસ ડો. રાજીવકુમાર ગુપ્તા અને પંકજકુમારના નામ ચર્ચાઈ રહ્યા છે. પણ છેલ્લી ઘડીએ કોઈ નવા નામની જાહેરાત થાય તો નવાઈ નહી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે પસંદગીના અધિકારીના નામ બંધ કવરમાં ભારત સરકારને મોકલી આપ્યા છે. કેંદ્રમી મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત થશે. જોકે, હાલના તબક્કે ગુજરાતના મુખ્ય સચિવના પદ માટે 1986ની બેચના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાના નામ ચર્ચાઈ રહ્યા છે. સચિવાલયમાં ઉચ્ચ કક્ષાએ થતી ચર્ચા મુજબ મોટાભાગે આ પદ માટે પંકજ કુમાર તથા ડૉ. રાજીવ ગુપ્તાના નામ પસંદ થઈ શકે છે. જોકે, તેઓ પણ મે 2022માં 60 વર્ષના થતાં હોવાથી વય નિવૃત્ત થશે. મતલબ કે, જો પંકજ કુમાર મુખ્ય સચિવ પદે નિયુક્ત થાય તો તેઓ માત્ર 9 માસ માટે રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે. આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પંકજ કુમાર કે ડૉ. રાજીવ કુમાર ગુપ્તા બંનેમાંથી જે પણ મુખ્ય સચિવ બને તેમને વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવાની ફરજ પડશે, તેમ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સામાન્ય રીતે નિવૃત્ત થતાં મુખ્ય સચિવના પદ માટે તેમના પછીના ક્રમે આવતા કોઈ IAS ઓફિસરને જ તેમના અનુગામી તરીકે પસંદ કરવા એવો કોઈ શિરસ્તો નથી, એટલે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ભારત સરકાર હાલના નિવૃત્ત થતાં મુખ્ય સચિવ પછીના ક્રમે આવતાં IAS ઓફિસર પંકજ કુમાર, ડૉ. રાજીવ કુમાર ગુપ્તા અને વિપુલ મિત્રા પૈકી કોઈ એકની પસંદગી કરે તે જરૂરી નથી. તેઓ 1986ની બેચને કૂદાવીને તેમની અનુકૂળતા મુજબની અન્ય બેચમાંથી પણ મુખ્ય સચિવનું પદ સોંપે તેવી સંભાવના નકારી ના શકાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code