
દારૂ-જુગારની પાર્ટીમાં પકડાયેલા ભાજપના ધારાસભ્યને કેમ ન બચાવાયા ?, હવે શિસ્તભંગના પગલા લેવાશે
હાલોલઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરથી તલવાડી રોડ પર આવેલું જીમીરા રિસોર્ટ ખાતે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 25 જેટલા શખસો રાત્રે દારૂ અને જુગારની મહેફિલમા ઝડપાઇ ગયા હતા.ભાજપના ધારાસભ્ય પકડાતા પ્રદેશ પ્રમુખ આરસી પાટિલે ગંભીર નોંધ લઈને ખૂલાશો પૂછવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કેસરીસિહ સામે રાજકીય પગલાઓ લેવામાં આવશે તે વાત નિશ્ચિત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલના શિવરાજપુરથી તલાવડી રોડ પર આવેલા રિસોર્ટમાં પોલીસના દરોડા દરમિયાન સાત જેટલી યુવતીઓ હાજર હોવાથી પોલીસે યુવતીની પૂછપરછ પણ શરૂ કરી છે. ભાજપના ધારાસભ્ય જ દારૂ – જુગારની મહેફિલમાં પકડાવાના પગલે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. આ ધારાસભ્ય સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.
ધારાસભ્ય પકડાવાના પગલે રાજકીય ચર્ચાએ જોર પકડયું છે કે કેસરીસિંહ સોલંકીનો રાજકીય દાવપેચનો શિકાર બન્યા હોવાનું પણ કહેવાય છે.2020ની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવી ત્યારે કોંગ્રેસ વોટિંગ કરશે તેવી વાત ફેલાવા પામી હતી.પરંતુ ભાજપમાંથી કેસરીસિંહ ક્રોસ વોટિંગ કરે તેવી વાત બહાર આવતા તાત્કાલિક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે નોંધવું જરી છે કે રાજ્યસભાની ચૂંટણી વેળાએ કેસરીસિંહ સોલંકી મતદાન કરવા માટે થઈને એમ્બ્યુલન્સમાં વિધાનસભા આવ્યા હતા. ત્યારે તેઓ ક્રોસ વોટિંગ કરે તેવા સંકેત ના પગલે તેમનો હવાલો શંકર ચૌધરીએ લીધો હતો. ત્યારથી તેઓ એક યા બીજી રીતે ભારતીય જનતા પાર્ટીની દાઢમાં હોવાની વાત દીવા જેવી સ્પષ્ટ્ર છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ના રિસોર્ટ પર દારૂ જુગારની પાર્ટી ચાલતી હોવાની લોકલક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે પીઆઈ ડી.એન ચુડાસમા અને પાવાગઢ પોલીસે દરોડા પાડયા હતા આ રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં સામેલ લોકોની પૂછપરછ કરવામાં આવતા માતર વિધાનસભા ભાજપના ધારાસભ્ય કેસરી સોલંકી એમાં સામેલ હોવાનું બહાર આવતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.