(પુલક ત્રિવેદી)
દરેકના વ્યક્તિના જીવનનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. પ્રત્યેક વ્યક્તિની અમૂક આવશ્યકતાઓ હોય છે. લક્ષ્ય અને જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પરિશ્રમની સાથે પ્રેરણાની આવશ્યકતા રહે છે. મનમાં દ્રઢિભૂત થઈ ગયેલી વર્ષો પૂરણી આદતોને તોડીને નવી સારી બાબતો વિકસાવવા માટેનું મોટિવેશન મહત્વપૂર્ણ બનતુ હોય છે. ઘણા લોકો મોટિવેટ થવા માટે સતત સંઘર્ષ કરતા જોવા મળે છે. ખાસ કરીને જે લોકો ચિંતા અને માનસિક પરિતાપમાં હોય અને નિર્ણયો લેવા માટે અસમર્થ હોય એમને માટે સેલ્ફ મોટિવેશન એક અકસિર ઇલાજ છે. એક બાજુ વિટંબણાઓ અને બીજી બાજુ સંભાવનાઓથી ભરેલી આ દુનિયામાં પોતાની શક્તિઓનું પ્રતિબિંબ પ્રદર્શિત કરતી પ્રેરક વાતો વ્યક્તિની આંગળી ઝાલીને અને આગળ ધપવામાં મદદરૂપ બનતી હોય છે. પ્રેરણા એક એવી ચિનગરી છે જે વ્યક્તિના જીવનમાં તાજગી અને ઉત્સાહ જગાવે છે. આ એક એવી તાકાત છે કે, વ્યક્તિના દ્રઢ સંકલ્પને પ્રેરિત કરીને મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવા માટે એને સજ્જ કરે છે.
સીધો સવાલ એ થાય કે, સ્વયં મોટિવેટ થવાની જરૂર શા માટે ? વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મોટિવેશન શી રીતે ઉપયોગી થાય ? જ્યારે વ્યક્તિ તેના પોતાના ઉદ્દેશ્ય અને આંતરિક ઊર્જાની મજબૂત ભાવનાથી મોટિવેટ થઈ જાય છે ત્યારે તેનું ધ્યાન એકાગ્ર બનીને સચેત થઈ જાય છે. એની પાસે સ્પષ્ટ ખ્યાલ સુનિશ્ચિત થઈ જાય છે કે, એણે જીવનમાં શું કરવાનું છે. એની ઉત્પાદન ક્ષમતા અને વ્યક્તિગત દેખાવમાં અપ્રતિમ સુધારો થવા લાગે છે. બીજું મોટિવેશન દ્રઢતા અને સામંજસ્યમાં વધારો કરવાનું મહત્વનું પરિબળ બનતું હોય છે. જ્યારે વ્યક્તિ પ્રેરણા મેળવી માનસિક સશક્ત બને છે ત્યારે એની સામેની ચેલેન્જીસનો એ મુકાબલો કરીને નવી ચેલેન્જીસને શોધી તેના પ્રતિકાર માટે કૌશલ્યનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ બને છે. વ્યક્તિનો દ્રષ્ટિકોણ હકારાત્મક બને છે અને માનસિક આનંદને વિકસાવવામાં એને મદદ મળે છે. સ્વયં મોટિવેશન ન માત્ર પોતાને જ ફાયદો આપે છે આસપાસના લોકોને પણ એનાથી સકારાત્મક રીતે પ્રભાવિત થવા મળે છે.
યુક્રેન-રશિયા યુદ્ધ, ઇઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ, વૈશ્વિક આર્થિક સંકટો, કુદરતી હોનારતો વગેરે પરિબળો ઉપરાંત સામાજિક અને વ્યક્તિગત આર્થિક વિટંબણાઓથી ઘેરાયેલો આજનો માનવી આનંદ અને ઉત્સાહ મેળવવાની તલાશમાં ફાંફા મારે છે. માનસિક પરિતાપમાંથી મુક્ત થવા અને આગળ ધપવા વ્યક્તિ મથતો જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કોઈ મનગમતી સ્પોર્ટસ રમે કે વાંચન કરે છે તો કોઈ લખીને આનંદ મેલવે છે કે ટ્રેકિંગ કરવા નિકળી પડે છે. તો વળી કોઈ પોતાના પ્રિય પાત્ર સાથે સેર કરવા નીકળી પડે તો કોઈ લોંગ ડ્રાઈવ કરે આ યાદી હજુ ઘણી લંબાવી શકાય. આ બધામાં એક સર્વસામાન્ય પ્રવૃત્તિ એ છે કે, જે બધાને એક સરખી રીતે પ્રોત્સાહિત કરે છે અને એ છે મોટિવેશનલ સ્પીકરની વાત સાંભળવી. આ મોટિવેશનલ સ્પીકર્સની વાતો સાથે વ્યક્તિ આસાનીથી કનેક્ટ થતો હોવાનું જણાયું છે. વિશ્વભરમાં લોકોની સમસ્યાઓને આઘી હડસેલી એમના જીવનમાં તાજગી ભરવા તથા લક્ષ્ય હાંસલ કરવા માટે મોટિવેશનલ સ્પીકર્સના સેમિનારોમાં લોકોની ભીડ ઉમટે છે. ભારતમાં પણ ઉત્સાહવર્ધક વાતો વહેંચતા અને પ્રેરણાસ્ત્રોત બનતા કેટલાક મોટિવેશનલ સ્પીકર્સનો ઉલ્લેખ કરવા જેવો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે મોકો મળે તો રૂબરૂ આ સ્પીકર્સના વિચારોને સ્પર્ષવા જેવા છે. એની કોઈ ગેરંટી નથી કે આવા સ્પીકર્સને સાંભળીને જીવન બલાઈ જ જશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે, જીવન જોવાનો નજરીયો જરૂર બદલાઈ શકે છે.
ભારતમાં અનેક લોકોના જીવનમાં વૈચારિક પ્રકાશ ફેલાવનારા અને જીવન જીવવાની નવતર પ્રેરણા પ્રસ્થાપિત કરનારા જગ્ગી વાસુદેવના ૬.૧૪ મિલિયન યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ છે. ૭.૫ મિલિયન ફેસબુક ફોલોઅર્સ અને ૩.૫ મિલિયન ટ્વિટર ફોલોઅર્સ તથા ૪.૩ મિલિયન ઇન્સ્ટા ફોલોઅર્સ છે. જગ્ગી વાસુદેવ દેશ-વિદેશમાં સદગુરુ તરીકે જાણીતા છે. ઇન્ડિયા ટુ ડેના સર્વેક્ષણ અનુસાર સદગુરૂનો ભારતના ૫૦ સર્વશ્રેષ્ઠ શક્તિશાળી વ્યક્તિમાં સમાવેશ થાય છે. એમણે રેલી ફોર રીવર્સ, ગ્રામોત્સવ, વૃક્ષારોપણ, યોગ, આધ્યાત્મિકતા, માનસિક શાંતિ, જેવા વિષયો ઉપર જબરજસ્ત કામ કર્યું છે. વર્ષ ૨૦૨૪માં ભારતના ટોપ ૧૦ મોટિવેશનલ સ્પીકર્સની યાદીમાં સદગુરૂ ટોચના સ્થાને છે. એવા જ એક પ્રભાવશાળી પ્રેરક વકતા વિવેક બિન્દ્રા છે. એમના ૧૪.૬ મિલિયન યુટ્યુબ ફોલોઅર્સ, ૧.૬ મિલિયન ઇન્સ્ટા, ૬.૭ ફેસબુક અને ૧.૩ મિલિયન ટ્વિટર ફોલોઅર્સ છે. એમનો વિશાળ ફેન ફોલોઅર્સ સમુદાય છે. ડૉ. વિવેક બિન્દ્રાના નામે પાંચ ગ્રિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. એમણે જગતની નંબર વન ઉદ્યોગ સાહસિકતા ચેનલ લોંચ કરી છે. આ યાદીમાં હિન્દી પ્રેરણાદાયી કવિતાઓ અને પ્રેરક વાતો કરતા સિમરજીત સિંહનું નામ પણ સામેલ છે. એ ભારતના સૌથી યુવા પ્રેરક વકતા તરીકે ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે. લીડરશીપ ક્વોલિટી, ટીમ બિલ્ડિંગ, ઇનોવેશન, સેલ્ફ મોટિવેશન, યુથ મોટિવેશન જેવા એમના વિષયો લોકો બડા ચાવથી સાંભળે છે.
આવું જ એક નામ શીવખેરાનું છે. કાર વોશર, ઈન્સ્યોરન્સ એજન્ટ વગેરે જેવા વ્યવસાયોમાં નિષ્ફળતા મેળવીને શીવ ખેરાએ મોટિવેશનલ સ્પીકર્સની દુનિયામાં એમનું નામ બનાવ્યું છે. શીવ ખેરાના લાખો ફોલોઅર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છે. યંગ અને ડેશીંગ ભારતીય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરીનું જગતભરમાં જબરૂ નામ છે. લાખો ફોલોઅર્સ ધરાવતા સંદીપ મહેશ્વરીએ ફ્રિ લાઈફ ચેન્જિંગ સેમિનારો યોજીને લોકોના જીવનને બદલવા માટે જબરજસ્ત પ્રેરણા આપવાનું કામ કર્યું છે. એવા જ એક અગ્રણી મહિલા ઉદ્યોગ સાહસિક દીપશિખા કુમારનું આ યાદીમાં સ્થાન છે. દીપશિખાને ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા ટોચની ૧૦૦ મહિલા સાહસિકોમાં સ્થાન આપવામાં આવ્યું છે. દીપશિખાને એશિયા વુમન આઈકોન એવોર્ડ સિંગાપુરથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ અગ્રણી બિઝનેસ સ્કૂલમાં પણ માનદ ફેકલ્ટી તરીકે એમની સેવાઓ આપે છે. એમના પણ સોશિયલ મીડિયા ઉપર લાખો ફોલોઅર્સ છે.
દેશમાં ગૌર ગોપાલદાસને ન ઓળખતા હોય એવા કોઈ નહીં હોય. ગૌર ગોપાલદાસ પ્રેરક વકતાઓની યાદીમાં સૌથી વિચક્ષણ પ્રતિભા છે. ઇલેક્ટ્રિકલ ઇજનેર ગૌર ગોપાલદાસ વર્ષ ૧૯૯૬માં ઇસકોનમાં જોડાયા. બસ ત્યારથી લોકોના જીવનમાં પ્રેરણાદીપ પ્રજ્જવલિત કરવાનો એમણે ભેખ લઈ લીધો છે. સોશિયલ મીડિયા ઉપર એમના લાખો ફોલોઅર્સ એમના વિચારોને ખૂબ રસપૂર્વક સાંભળે છે. અમદાવાદ આઈઆઈએમ પાસ આઉટ ચેતન ભગતનું નામ પણ ભારતના ટોપ મોટિવેશનલ સ્પીકર્સની યાદીમાં શુમાર છે. ફાઈવ પોઈન્ટ સમવન, વન નાઈટ @ ધ કોલ સેન્ટર, ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, ટુ સ્ટેટસ જેવા બેસ્ટ સેલર્સ પુસ્તકો એમણે લખ્યા છે. ટાઈમ મેગેઝીને ચેતન ભગતને વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું છે. મિકેનિકલ ઇજનેરની ડિગ્રી હાંસલ કર્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ બનેલા સ્વામી જ્ઞાનવત્સ્લજીના પણ મોટિવેશનલ વિચારો લોકોને ખૂબ પસંદ પડે છે. એમના અનેક પ્રેરક ઉદબોધનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જ્ઞાનવત્સ્લજીના લાખો ફોલોઅર્સને એમની પ્રત્યેક વાત હૃદયથી કનેક્ટ થતી હોય એવી અનુભૂતિ થાય છે.
આભા મર્યાદા બેનર્જી ભારતની પ્રથમ મહિલા મોટિવેશનલ સ્પીકર છે. એમના લીડરશીપ ક્વોલિટી ઇમોશનલ ઇન્ટેલિજન્સી, હ્યુમન પીક પરફોર્મન્સ વગેરે વિષયો ઉપર આભાના વિચારો લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતી આભા બેનર્જી ભારતની ઓલંપિક એથલેટ્સ માટે પરફોર્મન્સ એન્ડ મેન્ટલ સ્ટ્રેન્થ કોચ રહી છે. આભાને ‘એશિયન ઓપ્રાહ’ તરીકે લોકો ઓળખે છે. જીવનમાં કશુ અસંભવ નથી. જે લોકો સત્યનિષ્ઠાથી કાર્ય કરે છે અને સતત સકારાત્મક ઊર્જાની પ્ર્રેરણા મેળવે છે એ લોકો આજે નહીં તો કાલે સફળ થવાના જ છે. સંઘર્ષ સાથે પ્રેરણાનું જીવનમાં અદકેરું મૂલ્ય છે. કોઈ એક પ્રેરક વિચાર જીવનનું લક્ષ્ય સુનિશ્ચિત કરી આપે છે. મોટિવેશનલ સ્પીકર્સ એક વ્યવસાય કરતા ક્યાંય વધારે લોકોના જીવનમાં ઊર્જા ભરવાનું અને તાજગી આપવાનું કામ કરે છે. એક વાર વ્યક્તિ જાણી લે કે, એના જીવનનું લક્ષ્ય શું છે પછી પ્રેરણા વ્યક્તિને એ દિશામાં આગળ વધવા તાકાત આપે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંલગ્ન પ્રયાસોના માર્ગો બતાવે છે. જ્યારે કોઇની પાસેથી પ્રેરણા મળે છે ત્યારે જીવનમાં કશુ વધુ સારુ કરવા માટે બદલાવ લાવવાની ઇચ્છા પ્રબળ બને છે.