1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને કાયદાનો ડર કેમ નથી, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને કાયદાનો ડર કેમ નથી, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને કાયદાનો ડર કેમ નથી, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી એક રિટ પર  જજ એ.એસ.સુપેહિઆ અને એમ.આર. મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો હતો. જેને કોર્ટે આપવા ઇનકાર કર્યો હતો. સરકારનો ઉધડા લેતા એવો સવાલ પૂછ્યો હતો કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને કાયદાનો ડર કેમ નથી. ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કયા પગલા લીધા છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે?  સરકારે CCTV કેમેરાની વાત કરી હતી. આ એક્સિડેન્ટમાં સાબિત થયું છે કે ત્યાં CCTV કેમેરા નહોતા.

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદની ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સુનાવણી હાથ ધરાતા કોર્ટે એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. કે, મુંબઇ-દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમો કડક રીતે પાળે છે. તો અમદાવાદમાં પોલીસ કર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઉભા રહે છે. આ કોર્ટે પર્સનલી જોયું છે. ટ્રાફિક પોલીસ કશુ કરતી નથી, તે પોતાની આંખો બંધ રાખે છે. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ન કરે? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઇ-ચલણ તો ચાર રસ્તે ટ્રાફિક નિયમો તોડતા લોકો માટે છે અન્ય રસ્તા પર શું? નોઈડા, પુણે, બેંગ્લોર જેવી જગ્યાએ રોડ ઉપર કાંટા લગાવવામાં આવે છે. જેથી કરીને વાહન રોંગ સાઈડમાં કે પાછળ જઈ શકે નહીં. તમે કેમ તેવી વ્યવસ્થા નથી કરતા? સમય આવી ગયો છે કે, પોલીસે સખત બનવું પડશે, નહીંતર ઇસ્કોન બ્રિજ જેવા અકસ્માત બન્યે જ રાખશે. રાત્રે શહેરના રોડ પર પોલીસ પેટ્રોલિંગ થતું નથી. રોડ ઉપર લોકો સ્ટંટ કરે છે. આપણે આપણા બાળકો માટે કામ કરવાનું છે.

સરકારી વકીલે કહ્યું હતું કે, અકસ્માતમાં 140 કિલોમીટરની ઝડપે ઇસ્કોન બ્રિજ ઉપર ગાડી ચાલતી હતી. જ્યાં 60-80 ની સ્પીડ લિમિટ છે., ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં રોડ ઉપર આટલું મોટું ટોળું કાર ચાલકને દેખાયું નહીં? કોર્ટે કહ્યું હતું કે, ઇ-ચલણથી આવા અકસ્માત ટાળી શકાય નહીં. પાર્કિંગ સ્પેસનો ઉપયોગ અન્ય કાર્ય માટે થઈ રહ્યો છે. ફૂટપાથ જનરલ પબ્લિકની માલિકીની છે. તેની પર દબાણ થાય છે. તેનો પ્રાઇવેટ ઉપયોગ ન કરી શકાય. ટ્રાફિકના ફ્રી ફ્લો અને રાહદારીઓને રસ્તાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ફૂટપાથ પર થતું દબાણ અટકાવવું જોઈએ. પાર્ટીપ્લોટ, મોલ્સ, સિનેમા વગેરે પાસે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ.

આ મુદ્દે કોર્ટે ટ્રાફિક પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને  બપોરે કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. પરંતુ સરકારી વકીલ કાયદાના કડક અમલની ખાતરી આપતા કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code