Site icon Revoi.in

હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, ભાવનગર જિલ્લામાં અનેક કારખાનાને તાળાં લાગ્યા

Social Share

ભાવનગર: શહેર અને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયો છે. સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતિય સ્થાન પર છે. જિલ્લામાં ગામેગામ હીરાના કારખાનમાં કામ કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે. પણ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ટેફિફ વધારતા હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે. અને અનેક હીરાના કારખાનાને તાળાં લાગી ગયા છે. અને રત્ન કલાકારો બેકાર થતાં હવે રોજગારી મેળવવા માટે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે.

હીરા ઉદ્યોગ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે જાણીતો રહ્યો છે. લાખો પરિવારો આ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હીરાના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારો, જે અત્યાર સુધી હીરા પર આધાર રાખતા હતા, હવે અન્ય રોજગાર અને વ્યવસાય તરફ વળી રહ્યાં છે. હીરાના કામ કરતા લોકો હવે હીરાનો વ્યવસાય છોડી ખેતી, દુકાનદારી, છૂટક મજૂરી જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાના-મોટા અનેક હીરાના કારખાનાઓ પણ બંધ થઈ ગયા છે.

મહુવા ડાયમંડ એસોસિએશનના કહેવા મુજબ  હાલ હીરાના વ્યવસાયમાં ભારે મંદી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ ખૂબ નાજુક છે. હીરાના વ્યવસાયમાં જોડાયેલા કારીગરોને પૂરતું કામ મળી રહ્યું નથી અને જે કામ મળી રહ્યું છે તે પણ યોગ્ય વળતરના અભાવે છે. મહુવા શહેરમાં 450 જેટલા હીરાના કારખાનાઓ હતાં, જેમાંથી હાલ માત્ર 300 કારખાનાઓ કાર્યરત છે. ખાસ કરીને નાના અને મધ્યમ કદના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે અને કારીગરોને યોગ્ય વળતર ન મળવાના કારણે તેઓ અન્ય વ્યવસાયોમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત, આગામી દિવાળી સહિતના તહેવારો માટે લોકો શું આયોજન કરે તે પણ નક્કી થઈ રહ્યું નથી. (FILE PHOTO)