Site icon Revoi.in

ગુજરાતમાં શિયાળાએ કરી જમાવટ, ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી  દીધા છે. રાજ્યમાં કચ્છના નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે.

ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધુ અનુભવાય રહી છે. ઉત્તર-પૂર્વના પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. રાતના સમયે હાઈવે પરના ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ ઠંડીનું મોજુ યથાવત રહેશે. દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે.તા. 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયુ વાતાવરણ બનવાથી અરબ સાગરમાં લો પ્રેશરની સંભાવના છે.  જ્યારે તા. 23 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે.

હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 6 ડિગ્રી ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા છે. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વનાં શહેરોની વાત કરીએ તો… વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.