Site icon Revoi.in

શિયાળાનું ધીમા પગલે આગમન, 16મી ઓકટોબરથી વરસાદના ઝાપટાં પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારના ભાગે શિયાળાનું આગમન થતુ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાય છે અને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. બીજીબાજુ રાજ્યના હવામાન વિભાગે 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. સોમવારે રાજયમાં 6 સ્થળોએ 20 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું જયારે નલિયામાં 18 ડિગ્રી અને રાજકોટ શહેરમાં 19.7 ડિગ્રી સાથે ઠંડકનો અહેસાસ થવા પામ્યો હતો. સવારના ભાગે પવનની ઝડપ પણ 8થી 10 કી.મી. સુધી રહેતા ઠંડી અનુભવાઈ હતી. જયારે જામનગરમાં પણ ધીરે ધીરે શિયાળાની છાંટ વર્તાઇ રહી છે. વહેલી સવારે ઠંડક અને બપોરના ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે.

રાજ્યના  હવામાન વિભાગે અગાઉ ચોમાસુ રાજયભરમાંથી વિદાય લેશે તેવી જાહેરાત કરી છે. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હળવા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની અને ‘માવઠા’ની શકયતા છે. ઉત્તમ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના પગલે દિવસો ખુશનુમા હતા. પરંતુ ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને પોસ્ટ-મોનસૂન સીઝનનો પ્રારંભ હાલ રાજ્યભરમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછું અને વહેલી સવારે આલ્હાદક ઠંડકનો સુખદ માહોલ જોવા મળી રહ્યો છે.