ગાંધીનગર, 2 જુન, 2026 : With the decentralization of land registry રાજ્યમાં ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને કેટલાક જમીનને લગતા કામો માટે જિલ્લા મથકે જવાની ફરજ પડતી હતી. આ અંગે સરકારને રજુઆત મળ્યા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણનો નિર્ણય લીધો છે. મહેસુલ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરાશે. આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યના મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જમીન દફતરની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય તેમજ ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને જિલ્લા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી અનેક જમીન માપણી, રેકોર્ડ સુધારણા અને અન્ય ટેક્નિકલ કામો માટે લોકોને જિલ્લા કચેરીનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે.
મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-2ના સંવર્ગની કેટલીક જગ્યાઓના નામાભિધાનમાં સુધારો કરીને તેને જમીન દફતર નિરીક્ષક તરીકે કાર્યરત કરવામાં આવી છે. સાથે જ નવી રચાયેલી 138 જગ્યાઓને રાજ્યભરની વિવિધ તાલુકા કચેરીઓમાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. તાલુકા કક્ષાએ ટેક્નિકલ સ્ટાફ ઉપલબ્ધ થતાં જમીન સંબંધિત કામગીરીમાં ઝડપ આવશે, અરજીઓના નિકાલનો સમય ઘટશે અને સ્થાનિક સ્તરે નાગરિકોને વધુ સારી સુવિધા મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને જમીનધારકો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે.

