Site icon Revoi.in

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં હવે ઠંડીનું જોર વધશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીમાં ત્રણ દિવસ થોડી રાહત રહ્યા બાદ આજે સોમવારથી ફરીવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવે આગામી ત્રણ-ચાર દિવસ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ગુજરાતમાં લઘુત્તમનો પારો ગગડ્યો છે. કારણ કે ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુકાઈ રહ્યા છે. બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. આગામી 3 દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઠંડીમાં સામાન્ય વધઘટ આજથી ઠંડી વધશે. સવારથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે. આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગાંધીનગરમાં ૧૩ ડીગ્રી, અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને અન્ય શહેરોમાં ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયું છે. હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુકાવા શરૂ થઈ ગયા છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ તાપમાનમાં થોડો વધારો થતાં લોકોએ ઠંડીમાંથી થોડી રાહત મેળવી હતી.આજે સોમવારથી ઉત્તર – પૂર્વના પવનોને લીધે લઘૂત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. મોટાભાગના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં 24 જ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. કે,  રાજ્યમાં બે ત્રમ દિવસમાં ઠંડીમાં આંશિક વધારો થશે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.

Exit mobile version