1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની ટીમમાં ભારે ઉથલપાથલ, પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝને મહત્વની જવાબદારી સોંપાઈ
પાકિસ્તાનની ટીમમાં ભારે ઉથલપાથલ, પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝને મહત્વની જવાબદારી સોંપાઈ

પાકિસ્તાનની ટીમમાં ભારે ઉથલપાથલ, પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝને મહત્વની જવાબદારી સોંપાઈ

0
Social Share

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં કારમા પરાજ્ય બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા મોટા પ્રવાસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ કપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેવી પડી છે. જેના પગલે શાહીન શાહ આફ્રિદીને T20નો નવો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ મિકી આર્થરને પણ ક્રિકેટ ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને આ જવાબદારી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝને સોંપવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, હાફિઝ આગામી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનના મુખ્ય કોચની ભૂમિકા પણ નિભાવશે. મુખ્ય કોચ બ્રેડબર્નને પણ હટાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ અગાઉ પણ પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી અને નવા મુખ્ય પસંદગીકારની શોધ ચાલી રહી છે. પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન ટીમ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પછી ટીમ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે.

હાફિઝને પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે ટીમ ડાયરેક્ટર અને મુખ્ય કોચની જગ્યાઓને મર્જ કરશે, હાફિઝ ઓસ્ટ્રેલિયામાં આગામી ત્રણ ટેસ્ટ મેચો અને ન્યુઝીલેન્ડમાં પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બેવડી ભૂમિકા ભજવશે. હાફિઝ તાજેતરમાં PCB ક્રિકેટ ટેકનિકલ સમિતિનો ભાગ હતા, પરંતુ તેણે વર્લ્ડ કપ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર 2017માં ઈંગ્લેન્ડમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પાકિસ્તાની પુરૂષ ટીમનો ભાગ હતો.

પીસીબીએ પાકિસ્તાનના કોચિંગ સ્ટાફના પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ, તમામ કોચ નેશનલ ક્રિકેટ એકેડમીમાં કામ કરવાનું ચાલુ રાખશે, જ્યારે PCB ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આગામી શ્રેણી માટે યોગ્ય સમયે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરશે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે બુધવારે ભારતમાં ICC વર્લ્ડ કપ 2023માં તેની ટીમના ખરાબ પ્રદર્શનને પગલે રમતના તમામ ફોર્મેટમાંથી પાકિસ્તાનના કેપ્ટન પદેથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હક્કે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની મધ્યમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, મોર્ને મોર્કલે પાકિસ્તાનની પુરૂષ ટીમના બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું. દક્ષિણ આફ્રિકાનો આ પૂર્વ ફાસ્ટ બોલર આ વર્ષે જૂનમાં છ મહિનાના કરાર પર પાકિસ્તાન ટીમ સાથે જોડાયો હતો. જે બાદ પીસીબીએ સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી. ત્યારબાદ બાબરે કેપ્ટનશીપ છોડી દીધી હતી. શાહીન આફ્રિદીને T20 અને શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code