- મહિલા અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી
- સીસીટીવીની કૂટેજો જોતા જ મહિવાની ઓળખ થઈ
- મહિલાને 4 સંતાન છે, છતાં નવજાત બાળકની ચોરી કરી
સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકની ચોરી થતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને તપાસ હાછ ધરી હતી. દરમિયાન હોસ્પિટલના સીસીટીવીના કૂટેજ તપાસતા એક મહિવાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી, અને મહિલા થેલીમાં એક બાળકને લઈને જતી જોવા મળી હતી. આ મહિલા વિશે તપાસ કરતા મહિલા અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી. આથી મહિલાનું નામ અને તે ક્યા રહે છે તેનો પત્તો મેળવીને પોલીસે મહિલાને પકડીને ચોરી કરેલા નવજાત બાળકનો કબજો મેળવીને તેના માત-પિતાને સુપરત કર્યુ હતુ.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંના ડિલિવરી રૂમમાંથી શુક્રવારે રાતના સમયે નવજાત બાળકની ચોરી થઈ હતી. બાળકની ચોરી થતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ હતી. આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ નવાગામથી મહિલાની ધરપકડ કરી બાળકને કબજે લઈ પરિવારને સોંપ્યું હતું. પોલીસની પૂછપરછમાં બાળકની ચોરી કરનારી મહિલાનું નામ રાધા ઝા હોવાનું સામે આવ્યું છે. રાધાના પાંચમા બાળકના જન્મ બાદ મોત થતાં તેના દુઃખમાં અને પતિએ ઘરકંકાશમાં તેને ચોર કહી હોવાના કારણે આ નવજાત બાળકની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. આરોપી મહિલા પહેલા સિવિલની મહિલા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. મહિલાને ચાર બાળક હોવા છતાં પણ આ બાળકની ચોરી કરી હોવાથી બાળતસ્કરીની શંકાએ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ છે કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી પૂર્વ સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ બાળકની ઉઠાંતરી કરવામાં આવતાં સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.