Site icon Revoi.in

ભાવનગરના કોબડી ટોલનાકા નજીક કાર પર પાઈપ અને ધોકાથી હુમલો, મહિલાને ઈજા

Social Share

ભાવનગરઃ હાઈવે પર કોબડી ટોલનાકા પર એકકાર ચાલકે ઈમરજન્સી લાઈનમાંથી નિકળવાનો પ્રયાસ કરતા ટોલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.ત્યારબાદ કારચાલક હિતેન્દ્રસિંહએ કાર અન્ય રસ્તે લઈ જઈને સરતાનપર ગામના પાટીયા તરફ ગયા હતાં. ત્યાં ટોલનાકા પર નોકરી કરતા ઉખરલાના સંજયસિંહ ગોહિલ, કરેડાના સહદેવસિંહ ગોહિલ અને એક અજાણ્યો માણસ કાર લઈને પહોંચી ગયા હતાં. સંજયસિંહે લોખંડનો પાઇપ અને અન્ય બે શખ્સોએ લાકડાના ધોકા વડે હિતેન્દ્રસિંહની કાર પર હુમલો કર્યો હતો. જેમાં કારચાલકના માતાને ઈજાઓ થઈ હતી. આ અંગે વરતેજ પોલીસ મથકે હિતેન્દ્રસિંહ ગોહિલએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનના સૂત્રોના કહેવા મુજબ  ફરિયાદી હિતેન્દ્રસિંહ તેમના માતા ભારતીબા, બહેન અને બનેવી સાથે કારમાં બગદાણાથી પરત આવી રહ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમણે ટોલ ન ભરવો પડે તે માટે કોબડી ટોલનાકાની ઇમર્જન્સી લાઇનનો ઉપયોગ કર્યો હતો. આના કારણે ટોલનાકાના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ હિતેન્દ્રસિંહ અન્ય રસ્તે સરતાનપર ગામના પાટીયા તરફ ગયા હતાં. ત્યાં ટોલનાકા પર નોકરી કરતા ઉખરલાના સંજયસિંહ ગોહિલ, કરેડાના સહદેવસિંહ ગોહિલ અને એક અજાણ્યો માણસ કાર લઈને પહોંચી ગયા હતાં. સંજયસિંહે લોખંડનો પાઇપ અને અન્ય બે શખ્સોએ લાકડાના ધોકા વડે હિતેન્દ્રસિંહની કાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કારના આગળ-પાછળના કાચ તોડી નાખી નુકસાન થયું હતું. પાછળની સીટમાં બેઠેલા ભારતીબાને તૂટેલા કાચના ટુકડાઓ આંખની બાજુમાં વાગ્યા હતા. બનેવી મૂણાલસિંહ સમજાવવા જતા સહદેવસિંહે તેમને પણ ધોકાનો ઘા માર્યો હતો. હુમલાખોરોએ હિતેન્દ્રસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દરમિયાન ડરી ગયેલા પરિવારે ત્યાંથી કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર રોડ પરથી નીચે ઉતરી એક ઘેટા સાથે ભટકાઈ હતી. આસપાસના લોકો ભેગા થતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ભારતીબાને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. વરતેજ પોલીસે સંજયસિંહ ગોહિલ, સહદેવસિંહ ગોહિલ અને અજાણ્યા માણસ સામે કારને નુકસાન પહોંચાડવા, ગાળાગાળી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.