Site icon Revoi.in

સુરતના હજીરામાં સ્ટીલ પ્લાન્ટમાં ક્રેન તૂટતા કામદારનું મોત, ત્રણ ઘવાયા

Social Share

સુરતઃ શહેર નજીક આવેલા હજીરા ખાતે આવેલા સ્ટીલ (AMNS) પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા શ્રમિકોને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  સુરત શહેર નજીક આવેલા હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં આજે સોમવારે કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી પડતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના પ્લાન્ટના કોકો ગેટ પાસે બની હતી. કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી, જેના કારણે તેની નીચે કામ કરી રહેલા ચાર શ્રમિકો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  ક્રેન કયા કારણોસર તૂટી પડી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી છે કે માનવીય ભૂલ, તે તપાસ બાદ જ જાણી શકાશે.

 

Exit mobile version