(પુલક ત્રિવેદી)
મહેનતકશ લોકોના બાવડામાં દુનિયા બદલવાની તાકાત છે. આજે પણ માર્ક્સે આપેલી મેન્ટાલિટી સોળે આની સાચી જણાય છે. મહેનતની મોટાઇ અને પસીનાનુ પોરસ જ્યારે સમજાશે ત્યારે વિશ્વ સમસ્ત સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિહરતુ જોવા મળશે. જ્યાં સુધી પુંજીપતિઓની આર્થિક સંપન્નતા અને કામદારોની મુંગા મોંએ કામ કરતા રહેવાની પ્રકૃતિ રહેશે ત્યાં સુધી અમિરો અને ગરીબો વચ્ચેની ખાઇ કદી નહીં પુરાય. ‘હેવ્ઝ એંડ હેવ્ઝ નોટ’ અર્થાત જેની પાસે છે અને જેની પાસે નથી એમના વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો જ રહેશે. રૂવાંડા ખડા કરી દેતો આ મજબુત વિચાર આપ્યો છે કાર્લ માર્ક્સે. જગતના કોઈપણ છેડે વ્યક્તિના જીવન ઉપર એક યા બીજી રીતે કાર્લ માર્ક્સના વિચારો અને ફિલોસોફીનો પ્રભાવ પડ્યા વગર નથી રહેતો. ઘણીવાર એવું બનતુ હોય છે કે, જગતના વ્યવહારો ઉપર માર્ક્સના વિચારો હોય ખરા પણ એની ખબર પડતી ન હોય. માર્ક્સિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, કાર્લ માર્ક્સની વિચારધારા ‘ગોડલી ગીફ્ટ’ એટલે કે ઐશ્વરીય સોગાત છે. જો કે માર્ક્સે એમના જીવનમાં ક્યારેય ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો. બીજા અર્થમાં એમને નાસ્તિક પણ કહી શકાય. માર્ક્સના મતે ઈશ્વર તો માણસે બનાવ્યો છે.
માર્ક્સ એક માનવ શરીર જ ન હતું એ એક વિચારધારા છે. વિચારધારા કદી અસ્ત થતી નથી. વ્યક્તિનું માનવ શરીર નષ્ટ થાય છે. પાર્શીયામાં જ્યાં માર્કસ જનમ્યા અને જર્મની, ફ્રાન્સમાં એ રહ્યા ત્યાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં એમના વિચારો ફેલાયા. આજે પણ માર્કસના વિચારો એટલા જ પ્રસ્તુત છે. જેમ જુલિયટ સિઝરને મારી નાખનારાઓને આજીવન ડર રહ્યો હતો કે, સિઝરનું ભુત ગમે ત્યારે આવી જશે અને એમને ખતમ કરી નાખશે એમ પુજીપતિઓને જ્યારે ગરીબોનું શોષણ કરે ત્યારે એમના માનસપટ ઉપર માર્ક્સના વિચારો ખડા થઈ જતા હોય છે. એમને એમ થતુ હોય છે કે, માર્ક્સ એમને ખતમ કરી નાખશે. આવો ખોફ હંમેશા પુંજીપતિઓની આસપાસ ઘુમરાતો રહે છે.
માર્ક્સ એક માત્ર એવો પોલિટિકલ થિંકર હતો કે, એમના નામ ઉપર પોલિટિકલ સાયંસમાં સ્કૂલ ઓફ થોટ છે. એનો સામાન્ય અર્થ એ થાય કે, એમના વિચાર ઉપર ન જાણે કેટકેટલા પોલિટિકલ થિંકર આવ્યા અને એ બધાએ એમના ચિંતન આપ્યા. એમના ચિંતનના આધારે ‘સ્કૂલ ઓફ થોટે’ આકાર લીધો. પ્લેટોએ પશ્ચિમની વિચારધારાને ચોક્કસ પ્રભાવિત કરી પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે, પ્લેટોનું સબળ અને મજબુત થડ બની શક્યુ નહીં. પ્લેટોએ પોલિટિકલ થિંકર્સને થોડા ઘણા અંશે પ્રભાવિત જરૂર કર્યા. માર્કસ જે ધારતા હતા, વિચારતા હતા અને માનતા હતા એ મુજબ દુનિયામાં પરિવર્તન ન આવ્યું. એટલે એમ કહી શકાય કે, એમના કોર કમિટમેન્ટમાં માર્કસ નિષ્ફળ ગયા. જો કે અગત્યનું એ નથી કે, એ જે કહેતા હતા એવી દુનિયા ન બની પરંતુ હકીકત એ છે કે, જે એમની વિચારધારા હતી એની સાથે સંબંધ ન ધરાવતી હોય એવી જગતાં કોઈ બાબત છે જ નહીં.
બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયા બે વિચારધારામાં વહેંચાઈ ગઈ. એક તરફ રશિયા અને બીજી તરફ અમેરિકા. રશીયાની કોમ્યુનિસ્ટ અને અમેરિકાની કેપિટાલિસ્ટ એમ બે વિચારધારામાં વહેંચાઈ ગયેલી દુનિયામાં ગરીબો, પીડીતો, શોષિતોનો અવાજ ક્રમશઃ બુલંદ બનવા લાગ્યો. રશિયાની વિચારધારા એટલે કોમ્યુનિઝમની વિચારધારા. કોમ્યુનિઝમ શબ્દ આવે એટલે માર્કસ યાદ આવે જ આવે. બીજી બાજુ અમેરિકનની કેપિટલીસ્ટ વિચારધારા જોરશોરથી આગળ વધતી હતી. વર્ષ ૨૦૦૮માં ગ્લોબલ ક્રાઈસીસે દુનિયાના દરવાજે દસ્તક દીધા. એના પરિણામે અમેરિકાથી માંડીને યુરોપના ઘણા દેશોની ઇકોનોમીને જબરી અવળી અસર થઈ. લોકોની નોકરીઓ જવા લાગી. આ સમયે બધાને ખ્યાલ આવ્યો કે, આ ગ્લોબલ ક્રાઈસીસની બલા કેટલી ખતરનાક છે. લોકોએ ગ્લોબલ ક્રાઈસીસનું મૂળ શોધતા ખબર પડી કે આની શરૂઆત યુએસના કેટલાક લાલચુ બેંકર્સની મેલી મુરાદથી થઈ હતી. આ બેંકર્સે જેમની કોઈ ક્રેડિટ જ ન હતી એવા કેપિટાલિસ્ટને લોકોની બચતના પૈસા છૂટે હાથે આપ્યા હતા. આ કેપિટાલિસ્ટોના સમૂહે દેશને ડૂબાડ્યો હતો. આ સમયે લોકોને માર્ક્સ યાદ આવ્યા.
માર્ક્સ કહેતા કે, ફિલોસોફર્સ દુનિયા બદલવાના ફંડા બતાવે છે પણ દુનિયા કેવી રીતે બદલાશે એ નથી કહેતા. માર્ક્સે પ્રેક્ષિસ થિયરીમાં પરિણામલક્ષી સોલ્યુશન આપ્યા છે. એ વાત સ્વીકારવી રહી કે, જે થિયરીથી કોઈ બદલાવ નથી આવતો એ નિરર્થક છે અને એ પણ સ્વીકારવુ જ રહ્યું કે, થિયરી વગરના કાર્યો પણ બેબુનિયાદ બની જતાં હોય છે. એક સાચી થિયરી અને ચોક્કસ દિશામાં એકશન પરિવર્તનનું મુખ્ય કારણ બનતા હોય છે. એક સ્પષ્ટ થિયરી સાચુ દર્શન કરાવે છે, ઊંડી સમજ આપે છે અને કાર્યો કરવા માટે દિશા આપે છે. એટલે જ માર્કસનું માનવ શરીર ભલે નથી રહ્યું પણ એમના વિચારો અને થિયરી હજુ આજે પણ જીવી રહ્યાં છે.
દાસ કેપિટલ ગ્રંથ માર્ક્સના વિચારોનું સંકલન છે. ફેડ્રિક એન્જલે માર્ક્સના વિચારો અને લેખોને સંકલિત કર્યા. માર્ક્સે ભવિષ્ય ભાખેલું કે, સુપર રીચ લોકોનું એક નાનકડું જુથ આખી દુનિયાના અર્થતંત્ર ઉપર પક્કડ જમાવી દેશે. આર્થિક કટોકટીના કારણે વ્યક્તિ હંમેશા ચિંતાગ્રસ્ત રહેશે અને ઔદ્યોગિકરણના કારણે માનવીય સંબંધો ૩૬૦ ડિગ્રીએ બદલાઈ જશે. માર્ક્સ અને એન્જલ્સે વર્ષ ૧૮૪૮માં લખેલા ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં’ દસ પ્રભાવક મુદ્દાઓ આપ્યા હતા. એમાનો એક મુદ્દો સરકારી શાળામાં શિક્ષણ અને કારખાનાઓમાં બાળમજૂરી નાબૂદીનો હતો. આ મુદ્દા ઉપર આજે પણ વિશ્વના ઘણા દેશો કામ કરી રહ્યાં છે.
માર્ક્સ દ્રઢપણે માનતા એકધારા કામના કારણે કામ કરવાની ઝડપ અને ગુણવત્તા બન્ને પ્રભાવિત થાય છે. એટલે કામ વચ્ચે બ્રેક જરૂરી છે. એકધારા કામના સમયમાં બ્રેક કાર્યને વધુ નિખાર આપે છે. માર્કસના આ વિચારોના આધારે સપ્તાહમાં રજા અને કામ વચ્ચે લંચ બ્રેકને સ્થાન મળ્યું છે. આજની સાપ્તાહિક રજાઓનું શ્રેય પણ માર્કસને આપવું ઘટે.
મઝાની વાત તો એ છે કે મૂડીવાદ પહેલા માર્કસવાદ શબ્દ પ્રયોજાયો હતો. જગતે મૂડીવાદ અંગે સજાગતા કેળવી એ પહેલા માર્કસવાદ પ્રચલીત થવા લાગ્યો હતો. જાણીતા શોધકર્તા અને લેખીકા લિન્ડા યુએ કહે છે કે, મૂડીવાદ શબ્દ આધુનિક અર્થતંત્રના જનક સ્મિથે ક્યારેય નહોતો આપ્યો. એમણે તો બજારનું એક અદ્રશ્ય પરિબળ કહીને એમની વાત મૂકી હતી. વર્ષ ૧૮૫૪માં વિલિયમ મેકપીસની નવલકથા વેનિટી ફેરમાં મૂડીવાદ શબ્દ પહેલવહેલો પ્રયોજાયો હતો. વર્ષ ૧૮૬૭માં દાસ કેપિટલમાં અર્થતંત્રની બાબતમાં એનો ઉલ્લેખ કાર્લ માર્ક્સે કર્યો હતો. જ્યારે જ્યારે સંપન્ન અને આર્થિક સશક્ત વ્યક્તિઓ શોષણની દિશામાં ડગ માંડે છે ત્યારે માર્કસની વિચારધારાનો શેષનાગ ફૂંફાડા મારીને જાગ્રત થઈ જતો હોય છે. માર્કસના વિચારો માઈલસ્ટોન છે. વાત નાની હોય કે મોટી માર્કસના વિચારો એને જરૂર સ્પર્શતા હોય છે. ‘કામદારો પાસે ગુમાવવા લાયક એમને જકડી રાખતી કામના કલાકોની સાંકળો સિવાય બીજુ કશુ નથી હોતુ અને જીતવા માટે એમની સામે આખી દુનિયા હોય છે.’ – કાર્લ માર્ક્સ