અરે વાહ! રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવી
- ગુજરાતના પહેલી સ્કીન બેન્ક
- રાજકોટમાં કરવામાં આવી સ્થાપના
- અનેક રીતે થઈ શકશે ઉપયોગી
રાજકોટ :દાન કરવું, દાન કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, કેટલાક લોકો અંગદાન કરતા હોય છે તો કેટલાક લોકો પૈસા અથવા ખોરાકનું દાન કરતા હોય છે. આપણે સૌ જાણીએ છે કે લોકો શું આપે છે તે મહત્વનું નથી પણ તેમની આપવાની ઈચ્છા છે તે મહત્વની હોય છે. તો હવે ગુજરાતમાં જે લોકો સ્કીન દાન કરવા માંગતા હોય તે લોકો સ્કીનનું પણ દાન કરી શકશે. ગુજરાતના રાજકોટમાં પહેલી સ્કીન બેન્કની સ્થાપના કરવામાં આવી છે.
રાજકોટમાં ગ્રેટર રોટરી નામની સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવી છે.આ બેંકમાં જે પણ વ્યક્તિને પોતાના મૃત્યુ બાદ ચામડીનું દાન આપવું હોય તે આપી શકે છે. આ બેંકના ઉપયોગથી દાઝી ગયેલા કે શરીરમાં ચામડીને નુકસાન પામેલા અનેકને ફાયદો થશે.
સંસ્થા દ્વારા આ સ્કીન-ચામડીને લઇને તેનું સ્ટોરેજ કરવામાં આવશે.રાજકોટના શાસ્ત્રીમેદાન સામે આવેલી રેડક્રોસ બ્લડ બેંકના કમ્પાઉન્ડમાં સ્કીન બેંક આવેલી છે.આધુનિક મશીનરીથી સજ્જ આ બેંકમાં બેથી ત્રણ દિવસથી પાંચ વર્ષ સુધી ચામડીનું સ્ટોરેજ કરી શકાય છે. રાજકોટની સ્કીન બેંક ગુજરાતની પ્રથમ અને દેશની 19મી સ્કીન બેંક છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની સ્કીન બેંકમાં ગુજરાતભરના ઘણાં પ્લાસ્ટીક સર્જનો સલાહકાર તરીકે જોડાયેલા છે.આ સ્કીન સૌથી વધારે દાઝી ગયેલા લોકોને ઉપયોગી સાબિત થઇ શકે છે. કોઇ વ્યક્તિ દાઝી ગયા હોય તો તેને બાયોમેટ્રિક રીતે તેના દાઝી ગયેલા ભાગ પર સ્કીન લગાડવામાં આવે તો 21 દિવસમાં રૂઝ આવી જશે.