1. Home
  2. ગુજરાતી
  3. WWE સુપરસ્ટાર ડ્રુ મેકઇન્ટાયર પર ચડ્યો ક્રિકેટનો ક્રેઝ, સૂર્યવંશીના નામની જર્સી પહેરેલો વીડિયો વાયરલ
WWE સુપરસ્ટાર ડ્રુ મેકઇન્ટાયર પર ચડ્યો ક્રિકેટનો ક્રેઝ, સૂર્યવંશીના નામની જર્સી પહેરેલો વીડિયો વાયરલ

WWE સુપરસ્ટાર ડ્રુ મેકઇન્ટાયર પર ચડ્યો ક્રિકેટનો ક્રેઝ, સૂર્યવંશીના નામની જર્સી પહેરેલો વીડિયો વાયરલ

0
Social Share

નવી દિલ્હી, 27 મે 2026: આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી શાનદાર પ્રદર્શન કરી ધમાકો મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા હવે માત્ર ક્રિકેટ જગત પૂરતી સીમિત નથી રહી, પરંતુ અન્ય રમતની દુનિયામાં પણ તેનો ડંકો વાગી રહ્યો છે. તાજેતરમાં વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટના દિગ્ગજ સુપરસ્ટાર ડ્રુ મેકઇન્ટાયરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એ રહ્યું કે, મેકઇન્ટાયરે કસરત દરમિયાન વૈભવ સૂર્યવંશીના નામની રાજસ્થાન રોયલ્સની જર્સી પહેરી રાખી હતી.

ડ્રુ મેકઇન્ટાયરે આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું, ‘ચોઝન વન’ એટલે કે ‘વિશેષ રૂપે પસંદ કરાયેલો વ્યક્તિ’. WWE સુપરસ્ટારની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મિનિટોમાં જ વાયરલ થઈ ગઈ હતી. રમત જગતના ચાહકો આ પોસ્ટને વૈભવ સૂર્યવંશીના વૈશ્વિક સ્તરે વધી રહેલા સ્ટારડમના એક મોટા સંકેત તરીકે જોઈ રહ્યા છે. ડ્રુ મેકઇન્ટાયરની આ વાયરલ પોસ્ટ પર રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે પણ ખૂબ જ મજેદાર શૈલીમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. પરાગે કમેન્ટ સેક્શનમાં લખ્યું, “ઓ માય ગોડ … મને યાદ પણ નથી કે મેં WWE 2K વીડિયો ગેમમાં તમારા કેરેક્ટર સાથે કેટલા ‘ફ્યુચર શોક ડીડીટી’ (Future Shock DDT – મેકઇન્ટાયરની સિગ્નેચર મૂવ) માર્યા છે.” રિયાન પરાગની આ કમેન્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ કમેન્ટ કરવામાં આવી છે કે, “ચોક્કસપણે”, એટલે કે વૈભવ ખરેખર એક ખાસ ખેલાડી છે.

 

View this post on Instagram

 

A post shared by Drew McIntyre (@dmcintyrewwe)

સૂર્યવંશી ઓરેન્જ કેપની રેસમાં પણ મજબૂત દાવેદાર

આ સોશિયલ મીડિયા હાઇપ વચ્ચે હવે તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર આઈપીએલના આગામી રોમાંચક મુકાબલા પર ટકેલી છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારો એલિમિનેટર મેચ બંને ટીમો માટે ‘કરો અથવા મરો’ સમાન બની રહેશે. આ મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર થઈ જશે, જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર-2 માં પ્રવેશ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો છે અને તે ઓરેન્જ કેપની રેસમાં પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી લીગ મેચમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું, જેથી આ મહત્વપૂર્ણ એલિમિનેટર મેચમાં તે ધમાકેદાર પુનરાગમન કરવા માટે મેદાનમાં ઉતરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code