Site icon Revoi.in

ગુજરાતમાં આજે 11 જિલ્લામાં યલો એલર્ટ, તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે

Social Share

અમદાવાદ, 9 માર્ચ 2026: Temperature will increase by two degrees,  ગુજરાતમાં ફાગણ મહિનામાં જ આકરા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના ભૂજ, અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે 11 જિલ્લામાં યલો એલર્ટ આપ્યુ છે. અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જેના પગલે તંત્ર દ્વારા ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.  તંત્ર દ્વારા હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. ગરમીથી બચવા માટે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે ઓઆરએસ જેવા પ્રવાહી લેવા. વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ.

હવામાન વિભાગ (IMD) અનુસાર, મ્યાનમાર નજીક બંગાળની ખાડીમાં રચાયેલી એટમોસ્ફેરિક સરક્યૂલેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. તેની અસરો ખાસ કરીને પૂર્વ અને દક્ષિણપૂર્વીય પ્રદેશોમાં અનુભવી શકાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે IMD એ ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અગવડતા (ડિસકમ્ફર્ટ) રહેવાની સંભાવના છે. 10 માર્ચ સુધી ગુજરાતમાં યલો એલર્ટની આગાહી છે. આ સાથે 11મી માર્ચના રોજ દરિયાકિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી છે. આજે  9મી માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડા અને સુરત જિલ્લામાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે.

Exit mobile version