1. Home
  2. ગુજરાતી
  3. યમનમાં સેનાની પરેડ પર મિસાઈલ અને ડ્રોનથી થયેલા હુમલામાં 32ના મોત
યમનમાં સેનાની પરેડ પર મિસાઈલ અને ડ્રોનથી થયેલા હુમલામાં 32ના મોત

યમનમાં સેનાની પરેડ પર મિસાઈલ અને ડ્રોનથી થયેલા હુમલામાં 32ના મોત

0

યમનની એક મિલિટ્રી પરેડ દરમિયાન થયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના જીવ ગયા છે.

શિયાપંથી મુસ્લિમ હૂતી વિદ્રોહીઓ મિલિટ્રી પરેડને મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવી હતી.

હૂતી વિદ્રોહીઓ દ્વારા ચલાવવામાં આવતી એક ટેલિવિઝન ચેનલ પ્રમાણે આ પરેડ યમનના દક્ષિણી વિસ્તારમાં આવેલા તટવર્તી શહેર અદનમાં થઈ રહી હતી.

અદન શહેર યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું શક્તિ કેન્દ્ર છે.

આના પહેલા અદન શહેરમાં જ એક પોલીસ સ્ટેશનમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. તેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જો કે હજી પણ એ સ્પષ્ટ થયું નથી કે શું આ બંને હુમલાના તાર પરસ્પર જોડાયેલા છે…

શિયાપંથી ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે સરકાર સમર્થિત સુરક્ષાદળ તેમના પર એક વધુ હુમલાની તૈયારી કરવા માટે આ પરેડ કરી રહ્યા હતા. જો કે સરકારનું કહેવું છે કે આ નવા બહાલ થયેલા સૈનિકો માટે ગ્રેજ્યુએશન સેરેમની હતી.

મિલિટ્રી પરેડ પર હુમલા બાદ ત્યાંની સ્થિતિ ડરાવનારી હતી. એક સાક્ષી પ્રમાણે લાશોના ચિથડાં જમીન પર પડેલા હતા અને સૈનિકો રડી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શી પ્રમાણે, આ વિસ્ફોટ તે સ્ટેન્ડની પાછળ થયો હતો, જ્યાં આયોજન થઈ રહ્યું હતું. તેણે સૈનિકોને એક લાશની પાસે રડતા જોયા હતા. કદાચ તે તેમના કમાન્ડરની લાશ હતી.

આંતરરાષ્ટ્રીય મેડિકલ એજન્સી એમએસએફનું કહેવું છે કે આ હુમલામાં ડઝનબંધ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત પણ થયા છે. જે સૈન્ય છાવણી પર હુમલો થયો, તે સરકાર સમર્થિત સુરક્ષાદળો સાથે જોડાયેલી છે અને તેને સુરક્ષા બેલ્ટના નામથી ઓળખવામાં આવે છે.

યમન લાંબા સમયથી યુદ્ધની વિભીષિકાથી પીડિત છે. ખાસ કરીને માર્ચ-2015થી હૂતી વિદ્રોહીઓએ દેશના પશ્ચિમમાં એક મોટા વિસ્તારને કબજે કર્યો હતો અને તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અબદ રબૂ મંસૂર હાદીને યમન છોડીને ભાગવા પર મજબૂર કરી દીધા હતા.

શિયાપંથી મુસ્લિમ દેશ ઈરાનના સૈન્ય સમર્થનથી શિયાપંથી હૂતી વિદ્રોહીઓની દરરોજ ધી રહેલી શક્તિથી ચિંતિત સાઉદી અરેબિયાએ આઠ અન્ય સુન્ની દેશોની સાથે મળીને ગઠબંધન સેના તૈયાર કરી છે અને હાદીની સરકારને યમનમાં સત્તાવાપસી કરાવવા માટે હવાઈ સૈન્ય અભિયાન શરૂ કર્યા છે.

સુન્ની મુસ્લિમ દેશોના ગઠબંધનને અમેરિકા, બ્રિટન અને ફ્રાંસથી ગુપ્તચર જાણકારીઓ અને સૈન્ય અભિયાનમાં કામ આવનારા શસ્ત્રસરંજામ પણ મળતા રહે છે.

સાઉદી સમર્થિત સેનાના હુમલામાં અત્યાર સુધીમાં 10 હજારથી 70 હજાર લોકોના માર્યા જવાનો અંદાજ છે. મૃતકોમાં મોટાભાગના યમનના નાગરિક છે અને લગભગ બે-તૃતિયાંશ લોકો તો માત્ર સાઉદી ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વખતોવખત યમનની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રહે છે.  પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.