1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને એલઓસી પર ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કર્યો
પાકિસ્તાને એલઓસી પર ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કર્યો

પાકિસ્તાને એલઓસી પર ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કર્યો

0

શાંતિના દંભ કરતા નિવેદનો વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા માટે તૈયાર નથી. પાકિસ્તાની સેનાએ સીમાપારથી સતત યુદ્ધવિરામ ભંગ કરવાની પોતાની હરકત ચાલુ રાખી છે. ગુરુવારે પાકિસ્તાને પુંછ, રાજૌરી સેક્ટર અને સુંદરબની સેક્ટર સહીત લાઈન ઓફ કંટ્રોલની નજીકના ચાર સ્થાનો પર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને ચારેય ઠેકાણાઓ પર સીમા પારથી સ્મોલ આર્મ્સ ફાયરિંગ કર્યું છે અને મોર્ટાર સેલિંગ પણ કર્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેનાની શસ્ત્રવિરામ ભંગની હરકતને આકરો જવાબ આપ્યો છે.

પાકિસ્તાન દ્વારા ગોળીબારની ઘટના કાશ્મીર ખીણમાં થઈ રહેલી ભારે બરફવર્ષા વચ્ચે સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના નવ જિલ્લાઓમાં હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સંરક્ષણ વિભાગના પીઆરઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ ગુરુવારે સવારે સવા નવ વાગ્યે સુંદરબની સેક્ટરમાં નાના હથિયારો અને મોર્ટાર દ્વારા શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. તેમણે જણાવ્યુ છે કે બુધવારે રાત્રે પણ પાકિસ્તાની સેનાએ પુંછના મેંઢર સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ્સ પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબારને કારણે સરહદની નજીક રહેતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

આ પહેલા બુધવારે ભારતીય સુરક્ષાદળોએ બારામૂલામાં લશ્કરે તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાકર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગસિંહે બારામૂલાને આતંકવાદથી મુક્ત ઘોષિત કરી દીધું છે. તેમણે ક્હ્યુ છે કે હવે બારામૂલામાં કોઈ સક્રિય આતંકવાદી બચ્યો નથી. જો કે આતંકવાદીઓની ઘૂસણખોરીથી ઈન્કાર કરી શકાય નહીં. જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ આને સિદ્ધિ ગણાવીને રાજ્યની પોલીસને અભિનંદન આપ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યુ છે કે બારામૂલાનું આતંક મુક્ત થવું જમ્મુ-કાસ્મીર પોલીસની મોટી સફળતા છે. આ જિલ્લામાંથી સ્થાનિક આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. હવે કાશ્મીરના અન્ય જિલ્લાઓને પણ આતંકવાદ મુક્ત બનાવવાની કોશિશ થઈ રહી છે.

ભારતીય સેના દ્વારા કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના સફાયા માટે ચલાવાઈ રહેલા ઓપરેશન ઓલઆઉટને ઘણી મોટી સફળતા મળી છે. ગત વર્ષ ઓપરેશન ઓલઆઉટમાં 260થી વધુ ખૂંખાર આતંકવાદોને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં કાશ્મીરના ટોચના 12 આતંકી કમાન્ડરોમાંથી હવે રિયાઝ નાયકૂ અને ઝાકિર મૂસા જ બાક બચ્યા છે. સેના દ્વારા જીનત-ઉલ-ઈસ્લામ, અબુ મતીન, અબુ હમાસ, સદ્દામ પાડર, અબુ કાસિમ, સમીર અહમદ ભટ ઉર્ફે સમીર ટાઈગર, મન્નાન વાની, મેહરાજુદ્દીન બાંગરુ અને સબ્જાર અહમદ સોફી જેવા ખૂંખાર આતંકી કમાન્ડરોનો સફાયો કરવામાં આવ્યો છે.

આના સિવાય પીઓકેમાં એલઓસીની પેલે પાર 300થી વધારે ખૂંખાર આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આના સંદર્ભે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ ભારતીય સુરક્ષાદળ વધુ સતર્કતા દાખવી રહ્યા છે. સેના આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની સંપૂર્ણ તૈયારી કરીને બેઠી છે. સીમા પર કડકાઈપૂર્વક નજર રખાઈ રહી છે. આના સિવાય પ્રજાસત્તાક દિવસના સમારંભ સ્થાનની પણ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત-દુરસ્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને રાજ્યોના પાટનગરોમાં પ્રજાસત્તાક દિવસે મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી થવાની છે. તાજેતરમાં સેનાએ સીમા પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને પણ ઠાર કરવામાં સફળતા મેળવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code