ભારતમાં જોખમી ઔદ્યોગિક કચરાના ઉત્પાદનની સામે નોંધાયેલા સ્થળો ખુબ જ ઓછા
-
વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન
-
માત્ર 200થી પણ ઓછા પ્રદુષિત સ્થળ નોંધાયેલા
નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ભારતમાં દર વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરો પેદા થાય છે. આટલી મોટી માત્રામાં કચરો હોવા છતાં, સરકારી ચોપડે આખા દેશમાં માત્ર 200થી પણ ઓછા પ્રદૂષિત અથવા સંભવિત પ્રદૂષિત સ્થળો નોંધાયેલા છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના નેતૃત્વમાં થયેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસે આ આંકડાકીય તફાવત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
‘એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલ મુજબ, ભારત જેવા વિશાળ દેશમાં પ્રદૂષિત સ્થળોની સંખ્યા આટલી ઓછી હોવી એ એક ભયજનક સંકેત છે. તેનો અર્થ એ છે કે દેશમાં હજારો એવા વિસ્તારો હોઈ શકે છે જે ઝેરી કચરાથી પ્રદૂષિત છે, પરંતુ તેની હજુ સુધી ઓળખ કરવામાં આવી નથી. આ બેદરકારી માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય, ભૂગર્ભ જળ અને ખાદ્ય સુરક્ષા માટે પણ મોટો ખતરો બની શકે છે.
જ્યારે ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ખાણકામની પ્રવૃત્તિઓમાંથી નીકળતો જોખમી કચરો જમીન પર ફેંકવામાં આવે છે, ત્યારે તે માટી અને ભૂગર્ભ જળમાં ભળી જાય છે. આ કચરામાં સીસું, પારો અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ હોય છે, જે અલ્પ માત્રામાં પણ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થાય છે.
રિપોર્ટમાં એક ચોંકાવનારી સરખામણી કરવામાં આવી છે. સ્વિટઝરલેન્ડ જેવા નાના દેશમાં, જ્યાં ભારત કરતા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી છે, ત્યાં ભારત કરતા વધુ પ્રદૂષિત સ્થળો નોંધાયેલા છે. આ બાબત સાબિત કરે છે કે ભારતમાં મોનિટરિંગ અને ડોક્યુમેન્ટેશનમાં મોટી ખામી છે.
શોધકર્તાઓના મતે, ભારતમાં પ્રદૂષિત જમીનને લગતી નીતિઓ અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલી છે. કોઈ વિભાગ માટીની ગુણવત્તા પર કામ કરે છે, તો કોઈ કચરાના નિકાલ પર. આ વ્યવસ્થામાં સંકલન ન હોવાને કારણે પ્રદૂષિત વિસ્તારોની સાચી તસવીર સામે આવતી નથી.
અભ્યાસમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના ઉદાહરણો આપવામાં આવ્યા છે. ત્યાં પ્રદૂષિત જમીનની ઓળખ અને સફાઈ માટે કડક કાયદા અને વૈજ્ઞાનિક ડેટા ઉપલબ્ધ છે. ભારતે પણ જો આ જોખમથી બચવું હોય, તો નિયમિત મોનિટરિંગ અને કાયદાકીય જવાબદારી નક્કી કરવી પડશે.
આ પણ વાંચોઃ સમય હાથમાંથી સરકી રહ્યો છે, નાકેબંધી હવે વધુ આક્રમક બનશેઃ ટ્રમ્પને ઈરાનને ચેતવણી


