સમય હાથમાંથી સરકી રહ્યો છે, નાકેબંધી હવે વધુ આક્રમક બનશેઃ ટ્રમ્પને ઈરાનને ચેતવણી
વોશિંગ્ટન, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન વિરુદ્ધ આકરૂ વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન માટે હવે સમય સમાપ્ત થઈ રહ્યો છે અને જો તે અમેરિકાના હિતમાં હોય તેવા કરાર નહીં કરે, તો આર્થિક અને સૈન્ય નાકેબંધી વધુ કડક અને ભયાનક બનાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આક્રમક પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું કે, “ઈરાન સમજી લે કે સમય તેમના પક્ષમાં નથી. અમારી નાકેબંધી અભેદ્ય અને અત્યંત મજબૂત છે. હવે અહીંથી સ્થિતિ વધુ ખરાબ જ થવાની છે. અમેરિકા અને તેના સહયોગી દેશોના હિતોનું રક્ષણ થાય તેવો કરાર જ અમને સ્વીકાર્ય રહેશે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકી મીડિયા સંસ્થાઓ પર નિશાન સાધતા કહ્યું કે, આ મીડિયા હાઉસ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે હું ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે ઉતાવળો થયો છું. તેમણે સ્પષ્ટ કર્યું કે, “હું અત્યારે કોઈપણ પ્રકારના દબાણમાં નથી. મારી પાસે દુનિયાભરનો સમય છે, પરંતુ ઈરાન પાસે નથી.”
ટ્રમ્પે ઈરાનની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા ગંભીર દાવો કર્યો હતો કે, ઈરાની નૌકાદળ અત્યારે સમુદ્રના તળિયે છે, તેમજ તેમની વાયુસેના સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી છે. આ ઉપરાંત એન્ટી-ક્રાફ્ટ અને રડાર સિસ્ટમ્સ ધ્વસ્ત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઈરાનના મુખ્ય નેતાઓ હવે હયાત નથી.
નિષ્ણાંતોનું માનવું છે કે, ટ્રમ્પનું આ નિવેદન પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની રણનીતિનો એક ભાગ છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ ખુલ્લી ચેતવણી સામે કેવો પ્રતિસાદ આપે છે.
આ પણ વાંચોઃ નિર્મલા સીતારમણ અને અશ્વિની વૈષ્ણવે શિડ્યુલ્ડ વાણિજ્યિક બેંકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી


