પુણે, 3 ઓક્ટોબર 2026: PM નરેન્દ્ર મોદીએ દિવાળી પૂર્વે મહારાષ્ટ્રના પુણેવાસીઓને મોટી ભેટ આપી છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી PM મોદીએ પુણેમાં અંદાજે રૂ. 21800 કરોડના ખર્ચે તૈયાર થનારી મેટ્રો રેલ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યોથી પુણેના જૂના અને નવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે અને શહેરના ટ્રાન્સપોર્ટ સિસ્ટમને નવી ગતિ મળશે.
કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “તહેવારોની ખુશીઓ ત્યારે બમણી થઈ જાય છે જ્યારે જીવનમાં કોઈ નવી સગવડ ઉમેરાય છે. આજે પુણેના લોકો માટે આવો જ એક સુખદ અવસર છે.” તેમણે ખુશી વ્યક્ત કરી કે પુણે મેટ્રોની વધુ એક લાઇનનું લોકાર્પણ થઈ રહ્યું છે અને સાથે જ શહેરના મેટ્રો નેટવર્કને વિસ્તારવા માટે નવી પરિયોજનાઓ પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પુણે મેટ્રોના વિકાસને યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે આશરે 10 વર્ષ પહેલાં તેમને જ આ શહેરમાં મેટ્રોના પ્રથમ તબક્કાના કામનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. હવે હિન્જવાડીથી શિવાજીનગર વચ્ચે મેટ્રો શરૂ થવાથી પુણેના આઈટી હબને ઉત્તમ કનેક્ટિવિટી મળશે. આનાથી આઈટી સેક્ટરમાં કામ કરતા યુવાનોની અવરજવર ખૂબ જ સરળ બનશે અને રસ્તાઓ પરના ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
-
પુણેને ગણાવ્યું યુવાનોના સપનાનું શહેર
પીએમ મોદીએ પુણેની આર્થિક અને સામાજિક ઓળખ આપતા કહ્યું કે આઈટી, ઓટોમોબાઈલ, ફાર્મા, સ્ટાર્ટઅપથી લઈને ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ સુધી પુણે દેશના યુવાનોના સપના અને સંકલ્પોનું સ્થળ છે. વધુ મજબૂત બનતી મેટ્રો કનેક્ટિવિટી શહેરના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણા શહેરો માત્ર રહેવાની જગ્યા નથી પરંતુ દેશની આર્થિક ગતિવિધિઓનાં મોટા કેન્દ્રો છે. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાની સાથે ગરીબી ઘટાડવામાં પણ અગ્રેસર છે.
-
રૂ. 21800 કરોડની પરિયોજનાઓની વિશેષતાઓ
આશરે રૂ. 8300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી 23 કિલોમીટર લાંબી આ લાઇન માનથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન સુધી દોડશે. આનાથી હિન્જવાડીના આઈટી હબ અને શિવાજીનગર વચ્ચે સીધી કનેક્ટિવિટી મળશે. આ લાઇનનું સંચાલન સંપૂર્ણપણે મહિલા ટ્રેન ઓપરેટરો દ્વારા કરવામાં આવશે, જે આ પ્રોજેક્ટનું એક મોટું આકર્ષણ છે. ઉપરાંત, આ લાઇનની વીજળીની જરૂરિયાતોનો આશરે 30 ટકા હિસ્સો સોલાર એનર્જીથી પૂરો કરાશે. અંદાજે રૂ. 13500 કરોડના અંદાજિત ખર્ચ સાથે ચાર નવી લાઇન (2A, 2B, 4 અને 4A) નું કામ શરૂ થયું છે. લાઇન 2A વનાજથી ચાંદની ચોક અને લાઇન 2B રામવાડીથી વિઠ્ઠલવાડીને જોડશે. જ્યારે લાઇન-૪ ખરાડીથી ખડકવાસલા અને લાઇન-4A નલ સ્ટોપથી માણિકબાગ વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ નવા કોરિડોરથી ખરાડી, મગરપટ્ટા, હડપસર, સ્વારગેટ, પુણે કેન્ટોનમેન્ટ અને વારજે જેવા ગીચ વિસ્તારોના લાખો નાગરિકોને સીધો ફાયદો થશે.


