પાલનપુર, 26 એપ્રિલ 2026: Man caught with 14 kg of hashish from luxury bus જિલ્લાના અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ત્યારે લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા એક પ્રવાસી પોલીસને જોઈને ગભરાઈ જતા પોલીસે તેના લગેજનું ચેકિંગ કરતા 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ઝબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એક લક્ઝરી બસમાં પ્રવાસીઓનું ચેકિંગ કરતા એક શખસ પાસેથી આ પ્રતિબંધિત નશીલા પદાર્થો અને હથિયારો મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની ઓળખ મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ તરીકે થઈ છે, જે બિહારનો રહેવાસી છે અને જયપુરથી આ બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી છે. જોકે, તેની સાથે મુસાફરી કરી રહેલો અન્ય એક પેસેન્જર, વિકી કુમાર, પોલીસ ચેકિંગ શરૂ થતાં જ નાસી છૂટ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ કુમાર દ્વારા આ ચરસ, હથિયાર અને કારતૂસ પુણેમાં મોહમ્મદ ખાલિદ યુનુસને પહોંચાડવાનું હતું. મોહમ્મદ ખાલિદ યુનુસ ભાઈ મૂળ પાટણનો રહેવાસી છે અને પોલીસે તેને પણ હાલમાં ડિટેઈન કર્યો છે. આ કેસમાં આગળની કાર્યવાહી અને પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાન આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કઈ રીતે અને કયા સ્થળે લઈ જવાનું હતું તે અંગે વધુ વિગતો બહાર આવશે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹34,70,000 આંકવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, ‘ચૂંટણી અંતર્ગત ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર 24 એપ્રિલના રોજ લક્ઝરી બસની તપાસમાં બેગમાંથી ₹34.50 લાખની કિંમતનું 13 કિલો 780 ગ્રામ ચરસ, પિસ્તોલ અને 16 કારતૂસ મળી આવ્યા હતા. બિહારના મુકેશ પ્રકાશની ધરપકડ કરાઈ છે, જ્યારે વિકી કુમાર ફરાર છે. આ મુદ્દામાલ પાટણના મોહમ્મદ ખાલિદને આપવાનો હતો, જેની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે. કુલ મુદ્દામાલ ₹34,70,000 સીઝ કરાયો છે.’


