સોનગઢ (તાપી), 26 એપ્રિલ 2026: Factory manufacturing fake English liquor busted સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા તાપી ક્રાઈમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરી પકડી પાડી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસ ટીમે સોનગઢ તાલુકાના આમલીપાડા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. અહીં એક નોનવેઝ સેન્ટરની આડમાં ગેરકાયદેસર રીતે દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળી હતી. પોલીસ દ્વારા દરોડો પાડતા સ્થળ પરથી સ્પષ્ટ થયું કે શેડમાં કેમિકલ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને નકલી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. ઘટનાસ્થળે હાજર શખ્સો પ્લાસ્ટિક બોટલોમાં દારૂ ભરી તેને વેચાણ માટે તૈયાર કરતા હતા. તપાસ દરમિયાન પોલીસને મોટી માત્રામાં સ્પિરિટ, આલ્કોહોલ, ખાલી બોટલો, નકલી લેબલ અને પેકિંગ માટેના સાધનો મળી આવ્યા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂ અને બિયરની મોટી સંખ્યામાં બોટલો, આશરે 200 લિટર જેટલું કેમિકલ મિશ્રણ, બોટલ પેકિંગ માટેની મશીનરી, એક કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. મુખ્ય સંચાલકો ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવેલી આ કામગીરીથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ ઉભો થયો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.


