Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં 15 લાખ ટન મીઠું ડીઝલની અછતને કારણે અટવાયું, કલેકટરને રજુઆત

Social Share

સુરેન્દ્રનગર, 19 એપ્રિલ 20261.5 million tons of salt stuck in Kharaghoda desert due to diesel shortage  કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠાની સીઝન ચાલી રહી છે. જેમાં 300થી વધુ ટ્રકો તેમજ 50થી વધુ હીટાચી મશીનો મીઠાની હેરાફેરીમાં રોકાયેલા છે. 15 લાખ ટન મીઠાના ઢગલાઓ તૈયાર થઈ પડ્યા છે. ત્યારે પાટડી-ખારાઘોડા વિસ્તારમાં ડીઝલ સપ્લાય કરતી પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને છેલ્લા કેટલાક સમયથી ડીઝલનો પૂરતો આપતા નથી. તેથી આ વિસ્તારમાં ડીઝલની અછત સર્જાતા મીઠાની હેરાફેરી બંધ થઈ ગઈ છે. આ અંગે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

ઝાલાવાડ પંથકનો મીઠા ઉત્પાદનનો ઉદ્યોગ રાજ્ય અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં, ખારાઘોડા રણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન તૈયાર મીઠું પડ્યું છે, પરંતુ ડીઝલની ગંભીર અછતને કારણે તેના પરિવહન અને સંગ્રહમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો અગરિયાઓ, મજૂરો અને વેપારીઓ ચિંતિત છે.

મીઠાના ઉત્પાદન પછી એપ્રિલ-મે મહિનામાં તેનું પરિવહન અને સંગ્રહ અત્યંત સંવેદનશીલ તબક્કો હોય છે. રણમાં તૈયાર થયેલા મીઠાને સમયસર ખારાઘોડા ખાતે સંગ્રહિત કરવું અનિવાર્ય છે. આ કામગીરી માટે દરરોજ અંદાજે 300 ટ્રકો અને 50 જેટલી હિટાચી મશીનો સતત કાર્યરત હોય છે, જે સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર છે. પાટડી-ખારાઘોડા વિસ્તારમાં ડીઝલ સપ્લાય કરતી પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને છેલ્લા કેટલાક સમયથી ડીઝલનો પૂરતો અને સમયસર પુરવઠો મળી રહ્યો નથી. આના પરિણામે ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેની સીધી અને નકારાત્મક અસર મીઠા ઉદ્યોગની કામગીરી પર પડી રહી છે.

ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પ્રમુખ હિંગોર રબારીએ જણાવ્યું હતું કે, ડીઝલની અછતને કારણે તૈયાર મીઠું સમયસર ખેંચી શકાતું નથી. જો વરસાદ આવે તો રણમાં રહેલું મીઠું સંપૂર્ણપણે બગડી જવાનો ભય છે. આનાથી અગરિયાઓની આખા વર્ષની મહેનત અને આવક પર પાણી ફરી વળશે. આ પરિસ્થિતિને કારણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો મજૂરો અને તેમના પરિવારોના રોજગાર પર સીધી અસર પડી રહી છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

Exit mobile version