નવી દિલ્હીઃ ભારત અને એશિયાનો સૌથી મોટો ટેકનોલોજી મેળો ગણાતો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 આજે ધામધૂમથી શરૂ થયો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં 8 થી 11 ઑક્ટોબર સુધી ચાલનારા આ મહાઆયોજનનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢી ટેક રેવોલ્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હવે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આપણે કહી શકીએ ધ દ ફ્યુચર ઈઝ હીયર એન્ડ નાઉ.”
પીએમ મોદીએ જણાવ્યું કે આજે ભારતમાં 1 GB વાયરલેસ ડેટાની કિંમત એક કપ ચાની કિંમત કરતાં પણ ઓછી છે. ભારત દુનિયાના સૌથી વધુ ડેટા વાપરનારા દેશોમાંથી એક બની ગયો છે. હવે ડિજિટલ કનેક્ટિવિટી કોઈ વૈભવ નથી, પરંતુ ભારતીય જીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે.
મોદીએ જણાવ્યું કે તેમણે પ્રદર્શનમાં ઘણા સ્ટોલ્સની મુલાકાત લીધી, જ્યાં તેમને ભવિષ્યની ઝલક જોવા મળી. તેમણે કહ્યું કે, ટેલિકોમ કનેક્ટિવિટી, 6G ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી, સેમિકન્ડક્ટર્સ, ડ્રોન અને ગ્રીન ટેક જેવા ક્ષેત્રોમાં આવનારા વર્ષોમાં ભારત નવી દિશામાં આગળ વધશે.
તેમણે ઉમેર્યું કે ઈન્ટરનેટની સ્પીડ ફક્ત રેન્કિંગ માટે જ નહીં, પરંતુ તે “ઈઝ ઓફ લિવિંગ” વધારવામાં પણ મદદરૂપ બને છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત નેટ પ્રોજેક્ટ દ્વારા 2 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવી છે. અટલ ટિંકરિંગ લેબ (ATL) મિશન હેઠળ 10,000 લેબ્સ મારફતે 75 લાખ બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 નવી “યૂઝ કેસ લેબ્સ”ની શરૂઆતથી ટેક ક્ષેત્રમાં નવા અવસરો ઊભા થશે.

