નવી દિલ્હીઃ ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની 10 મહિલા અધિકારીઓ આજે ઇતિહાસ રચવા જઈ રહી છે. તેઓ INSV ત્રિવેણી પર સવાર થઈને વિશ્વભ્રમણ માટે રવાના થશે. આ અનોખા અભિયાનને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ મહિલા દળ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી પોતાની ઐતિહાસિક સફર શરૂ કરશે. આ દળનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર કરી રહ્યા છે, જેમાં આર્મીની 5, વાયુસેનાની 5, અને નૌસેનાની 5 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ અભિયાન હેઠળ આ દળ 26,000 નોટિકલ માઇલથી વધુની સફર કરશે. તેઓ વિશ્વના ત્રણ મહાન કેપ્સ—કેપ લીયુવિન, કેપ હોર્ન, અને કેપ ઓફ ગુડ હોપ—ની પરિક્રમા કરશે. આ સફર દરમિયાન તેઓ મુખ્ય મહાસાગરો અને ડ્રેક પેસેજ જેવા પડકારજનક અને જોખમી જળમાર્ગોને પણ પાર કરશે. આ અભિયાન મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને ભારતની નારી શક્તિનો પરિચય કરાવશે.