1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે

રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે

0
Social Share

રાજકોટઃ  મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું અંદાજપત્ર આજે કમિશ્નર અમિત અરોરાએ સ્ટે. કમીટીમાં રજૂ કર્યુ હતુ.  નાણાંકીય સંકટ ભોગવતી મ્યુનિ.ની તિજોરીને ઓકસીજન આપવા કમિશ્નરે પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, મિલ્કત વેરા સહિતના વેરાઓમાં કુલ 101 કરોડનો વધારો સૂચવ્યો છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરવા કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ભલામણ કરતા હવે સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો કેટલો કર વધારવો, વધારો કરવો કે નહીં તે સહિતના અંતિમ નિર્ણયો લેશે. મ્યુનિ.ના નવા વર્ષના બજેટમાં રહેણાંકમાં પાણીવેરો રૂા. 840માંથી ત્રણ ગણો કરીને 2400, બિન રહેણાંકમાં રૂા.1680ના રૂા. 4800 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ટેકસ પણ ત્રણ ગણો, મિલ્કત વેરામાં પ્રતિ ચો.મી. સામાન્ય વધારો, થિયેટર ટેકસ, ઓપન પ્લોટ ટેકસમાં વધારો સુચવવામાં આવ્યો છે.

રાજકોટના મ્યુનિ.કમિશનરે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું જેમાં પ્રથમવાર અમદાવાદ, વડોદરાની જેમ પર્યાવરણ ચાર્જ દાખલ કરવામાં આવ્યો છે.  જે માત્ર 500 ફુટથી મોટી કોમર્શિયલ મિલ્કતોને જ ટકાવારી મુજબ લાગુ પડશે. એટલે કે રહેણાંક મકાનોને પર્યાવરણ ચાર્જ લાગુ પડશે નથી. આજે કમિશ્નર અમિત અરોરાએ નવા નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે 2023-24નું 25.86 અબજનું અંદાજપત્ર લાંબી વિચારણાના અંતે તૈયાર કરવામાં આવ્યું છે. આગામી બજેટની થીમ નિર્મલ રાજકોટ અનુસાર જળ, વાયુ અને થલ એમ ત્રિક્ષેત્રિય શુધ્ધતા અને સ્વચ્છતા પર રાખવામાં આવી છે. શુધ્ધ પાણી, જાહેર માર્ગો ડસ્ટ ફ્રી બનાવવા અને હવાની ગુણવત્તામાં સુધારો કરીને રાજકોટ શહેરની રહેવા લાયકની છબી વધુ મજબુત બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના સર્વાંગી વિકાસ માટે આવકના સાધનો મજબુત કરવાની જરૂર લાગતા જુદા જુદા કરવેરામાં વધારો કરવા નકકી કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં રોજ 20 મીનીટ પાણી વિતરણ માટે સૌની યોજનાથી પણ પાણી લેવામાં આવે છે. જળાશયોથી પાણી પમ્પીંગ કરવા સહિતનો મેન્ટેનન્સ ખર્ચ 157 કરોડે પહોંચી ગયો છે. હાલ 2008થી રહેણાંકમાં રૂા. 840 વોટર ચાર્જ લેવામાં આવે છે જે નવા વર્ષથી માસિક રૂા.200 લેખે રૂા.2400 કરવા પ્રસ્તાવ મુકયો છે. કોમર્શિયલનો દર રૂા.1680માંથી માસિક રૂા. 400 લેખે વાર્ષિક રૂા.4800 સૂચવવામાં આવ્યો છે. ઘરે ઘરે કચરા એકત્રીકરણની વ્યવસ્થા ખુબ સફળ થઇ છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ રહેણાંક મિલ્કત માટે રોજના રૂા. એક લેખે વાર્ષિક 365 અને બિન રહેણાંકમાં રોજના રૂા. બે લેખે વાર્ષિક રૂા. 730 લેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ખર્ચ વર્ષે 15 કરોડથી વધીને હવે 30 કરોડ થવા જાય છે. 2016 બાદ કોઇ વધારો કરાયો ન હોય, નવા વર્ષથી ઘરદીઠ દૈનિક રૂા. બે લેખે રૂા. 730 અને બિનરહેણાંકમાં રોજના રૂા. 4 લેખે રૂા. 1460 ચાર્જ રાખવા દરખાસ્ત મુકવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ખુલ્લા પ્લોટ ન્યુસન્સ પોઇન્ટ બને ત્યારે જાહેર આરોગ્યને પણ નુકસાન થાય છે. આથી આ પ્લોટ પરના ટેકસમાં વધારો મુકવામાં આવ્યો છે. 500 ચો.મી. સુધીના ખુલ્લા પ્લોટ માટે વાર્ષિક રૂા.28 પ્રતિ ચો.મી.,500 મીટરથી વધુના પ્લોટ માટે વાર્ષિક રૂા. 42, કોમર્શિયલ ઉપયોગ થતા પ્લોટ માટે વાર્ષિક રૂા.56 દર નકકી કરાયો છે. જેની આવક આ પ્લોટની સફાઇમાં જ ઉપયોગ કરાશે. મકાન વેરામાં કાર્પેટ પધ્ધતિનો અમલ 2018થી શરૂ થયો છે. જેમાં રહેણાંક માટે સામાન્ય કર રૂા. 11 પ્રતિ ચો.મી. અને બિન રહેણાંકમાં રૂા.22 દર અમલમાં છે. હવે 2023-24થી રહેણાંકમાં રૂા. 13 અને બિન રહેણાંકમાં રૂા.25 પ્રતિ ચો.મી. ચાર્જ મુકવા નકકી કરવામાં આવ્યું છે. જે માટે અલગ અલગ સ્લેબ મુજબ અમલવારી થશે. થિયેટર ટેકસ હાલ પ્રતિ શો રૂા. 100 છે જે ટેકસ હવે પ્રતિ શો રૂા. 1000 મુકવામાં આવ્યો છે. સિંગલ સિનેમા ઘર નહીંવત છે અને મલ્ટીપ્લેકસમાં ટીકીટના દર ખુબ ઉંચા છે ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code