ગાંધીનગર, 11 માર્ચ 2026: 1011 vacancies for teachers in secondary schools ગુજરાત સરકાર સમાંયતે શિક્ષકોની ભરતી કરે છે. તેના કરતા નિવૃત થતા શિક્ષકોની સંખ્યા વધુ હોય છે. એટલે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી જ રહેતી હોય છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ખાલી જગ્યાઓ છે. સરકારના જવાબ મુજબ સામાજિક વિજ્ઞાનના કુલ 601 અને ગણિત-વિજ્ઞાનના 410 મળીને કુલ 1011 જગ્યાઓ ખાલી છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ સામાજિક વિજ્ઞાનના 122 અને ગણિત-વિજ્ઞાનના 152 જગ્યાઓ ખાલી છે, જ્યારે પંચમહાલમાં સામાજિક વિજ્ઞાનના 76 અને ગણિત-વિજ્ઞાનના 99, બનાસકાંઠામાં 66 અને 28, મહિસાગરમાં 30 અને 18 તથા છોટાઉદેપુરમાં 85 અને 27 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું હતું.
આ ઉપરાંત નર્મદા, વલસાડ, નવસારી, ખેડા, અરવલ્લી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોના લેખિત જવાબમાં મળેલી માહિતી મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર કુલ 58 શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 9 શાળાઓમાં પૂરતા ઓરડાઓ જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં 230 શાળાઓમાં કુલ 163 ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જે શિક્ષણ વ્યવસ્થાની મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાત્કાલિક મરામત તથા નવા ઓરડાઓના નિર્માણની માંગ ઉઠી રહી છે.

